ભાવનગરમાં લોન કૌભાંડમાં એસબીઆઈ નીલમબાગ શાખાના મેનેજરની ધરપકડ

ભાવનગર શહેરના નીલમબાગ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં આચરવામાં આવેલા કરોડો રૂૂપિયાના લોન કૌભાંડમાં નીલમબાગ પોલીસે મો/ શાખાના ચીફ મેનેજર સંતોષ કુમારની ધરપકડ…

ભાવનગર શહેરના નીલમબાગ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં આચરવામાં આવેલા કરોડો રૂૂપિયાના લોન કૌભાંડમાં નીલમબાગ પોલીસે મો/ શાખાના ચીફ મેનેજર સંતોષ કુમારની ધરપકડ કરી છે. પીએમઈજીપી (PMEGP) યોજના હેઠળ લોન મેળવી બેંક સાથે છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાયા બાદ આ મામલે તપાસ તેજ બની હતી, જેમાં બેંકના જ ઉચ્ચ અધિકારીની સંડોવણી સામે આવતા બેન્કિંગ ક્ષેત્રે ભારે ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે.

આ કૌભાંડની વિગતો મુજબ, સરકારની પીએમઈજીપી યોજના અંતર્ગત લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન અરજીના આધારે સબસિડીયુક્ત લોન આપવામાં આવતી હતી. આ યોજનામાં બેંક દ્વારા કેવાયસી, સ્થળ ચકાસણી અને પ્રી-વેરિફિકેશન બાદ લોન મંજૂર કરવાની હોય છે, પરંતુ આ કેસમાં ખોટા દસ્તાવેજો અને બનાવટી બિલોના આધારે કરોડો રૂૂપિયાની લોન મેળવી હોવાના આક્ષેપ થયા હતા.

પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું હતું કે લોનની રકમ મશીનરીની ખરીદી કે ઉદ્યોગ સ્થાપવાને બદલે વ્યક્તિગત ઉપયોગમાં લેવાઈ હતી. અનેક સ્થળોએ તપાસ દરમિયાન યુનિટોમાં મશીનરી કે સ્ટોક મળ્યા નહોતા અને કેટલાક એકમો તો સંપૂર્ણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા, જેના કારણે બેંક દ્વારા અનેક ખાતાઓને એનપીએ જાહેર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં અગાઉ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ચાર મહિલા લોનધારકો ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણી સહિત એજન્ટ ભરત અડવાણી અને સુનિલ હાંસેજાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે કુલ 42 લોનધારકો સામે અરજી કરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધી માત્ર 4 લોનધારકો અને 2 એજન્ટો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. હવે જ્યારે ખુદ ચીફ મેનેજરની ધરપકડ થઈ છે, ત્યારે બાકીના 38 લોકો અને અન્ય સંડોવાયેલા શખ્સો સામે ક્યારે કાર્યવાહી થશે તે ચર્ચાનો વિષય બન્યો છે. ચીફ મેનેજરની ધરપકડ બાદ આ સમગ્ર કરોડોના કૌભાંડમાં હજુ પણ વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.