સરધારના વેપારીને સસ્તામાં સળિયા વેચવાની લાલચ આપી રૂપિયા 14.40 લાખની ઠગાઇ

ઇન્ડિયા માર્ટ ઉપર સસ્તામાં સળિયા ખરીદવા માટે સર્ચ કર્યા બાદ ભેજાબાજે ઓનલાઇન પેમેન્ટ મગાવી ખેલ પાડી દીધો રાજકોટમાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો સતત વધી રહ્યા છે.…

ઇન્ડિયા માર્ટ ઉપર સસ્તામાં સળિયા ખરીદવા માટે સર્ચ કર્યા બાદ ભેજાબાજે ઓનલાઇન પેમેન્ટ મગાવી ખેલ પાડી દીધો

રાજકોટમાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સરધાર ગામના એક વેપારી સાથે ઓનલાઈન સસ્તામાં સળીયાના માલની સપ્લાયના નામે રૂૂ. 14.40 લાખની છેતરપિંડી થઈ હોવાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ સરધારમાં પ્લોટ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર નજીક અવેડા પાસે રહેતાં અને ઉમા શક્તિ એન્ટરપ્રાઇઝ નામે વેપાર કરતાં હીરેનભાઇ હરેશભાઇ કાશીપરા (ઉ.વ.28) નામના યુવાનની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે વ્હોટ્સએપ નંબરના ધારક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારક સામે ગુનો નોંધ્યો છે. હીરેનભાઇએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તમને 8 એમએમના ટીએમટી સળીયાની જરૂૂર હોય ગત ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ઇન્ડિયા માર્ટ પોર્ટલ પર સળીયા માટે તપાસ કરી હતી. આ પુછપરછના આધારે તા. 01/01/2026ના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સે પોતાની ઓળખ કેશવ ઝા તરીકે આપી હતી અને પોતે કેશવ એન્ટરપ્રાઇઝમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. આરોપીએ વિશ્વાસ જીતવા માટે પોતે ટાટા, જેએસડબલ્યુ અને દુર્ગાપુર જેવી પ્રતિષ્ઠીત કંપનીઓનો ડીલર હોવાનો દાવો કર્યો હતો અને સસ્તા ભાવે માલ આપવાની લાલચ આપી હતી. વેપારી હીરેનભાઈને તેની વાત પર વિશ્વાસ બેસતાં તેણે પોતાના ભાગીદારોને પણ વાત કરી હતી.

હીરેનભાઇ અને તેમના ભાગીદારોએ 30 ટન સળીયાના માલ માટે રૂૂ. 14,40,000નો સોદો નક્કી કર્યો હતો. આ સોદા પેટે હીરેનભાઇએ બે કટકે 12,00,000 અને 2,40,000 કેશવે જણાવેલા યુનિયન બેંકના ખાતામાં ટ્રાન્સફર કર્યા.

કુલ રૂૂ. 14.40 લાખ મેળવી લીધા બાદ કેશવે માલ મોકલવાને બદલે ખોટા બહાના બતાવવાનું શરૂૂ કર્યું હતું. અંતે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા અને સંપર્ક કાપી નાખતા વેપારીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આ બાબતે હીરેનભાઈએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ મામલે કેશવ નામ ધારક શખ્સ અને વ્હોટ્સએપ નંબરના ધારક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારક સામે ગુનો નોંધી દાખલ કર્યો છે. સાયબર ક્રાઈમના પીઆઇ એસ. ડી. ફુલતરીયા અને તેમની ટીમે વધુ તપાસ શરૂૂ કરી છે.