ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી ચોથી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં સંજુ સેમસને આક્રમક બેટિંગ કરીને ખાસ સિદ્ધિ મેળવી હતી. તેણે માત્ર 23 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. સેમસને 243.48ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન સેમસને ટી-20 ઇન્ટરનેશનલમાં પોતાના 100 છગ્ગા પૂરા કર્યા હતા. ઉપરાંત 2026માં ટી-20માં સૌથી વધુ છગ્ગાનો પાકિસ્તાનના બેટર સાહિબઝાદા ફરહાનનો રેકોર્ડ પણ તોડયો. આ સાથે તે પુરુષોની T20I ક્રિકેટમાં 100 કે તેથી વધુ છગ્ગા ફટકારનારો છઠ્ઠો ભારતીય બેટર બન્યો હતો.
સંજુ સેમસન હવે ભારતીય ક્રિકેટના એવા બેટર્સની યાદીમાં સામેલ થયો છે, જેમણે ટી20 ઇન્ટરનેશનલમાં 100થી વધુ છગ્ગા ફટકાર્યા છે. સેમસનની વ્યક્તિગત સિદ્ધિની સાથે ભારતીય ટીમે પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2,000 છગ્ગા પૂરા કરનારી ભારત બીજી ટીમ બની છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ત્રીજી ઓવર દરમિયાન રોસ્ટન ચેઝના બોલ પર લોંગ-ઓફ તરફ છગ્ગો ફટકારીને સેમસને ભારતનો 2,000મો T20I છગ્ગો નોંધાવ્યો હતો. ભારતે આ આંકડો 297 મેચમાં હાંસલ કર્યો હતો. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ સ્થાને છે. તેણે 259 મેચમાં 2,026 છગ્ગા ફટકાર્યા છે.
