સાંઢિયા પુલ તૈયાર, લોકાર્પણ માટે નવા સુકાનીઓની રાહ

હાલ માત્ર ડિવાઇડરને સ્ટોન મારવાનું કામ પૂર્ણતાના આરે, બુધ-ગુરુવારે કોન્ટ્રાક્ટર કબજો સોંપી દેશે : સિટી ઇજનેર નવા પદાધિકારીઓના ફોટોસેશન માટે રોજ હેરાન થતા સવા લાખ…

હાલ માત્ર ડિવાઇડરને સ્ટોન મારવાનું કામ પૂર્ણતાના આરે, બુધ-ગુરુવારે કોન્ટ્રાક્ટર કબજો સોંપી દેશે : સિટી ઇજનેર

નવા પદાધિકારીઓના ફોટોસેશન માટે રોજ હેરાન થતા સવા લાખ વાહનચાલકોને હજુ પણ 10 કિલોમીટરની પ્રદક્ષિણા યથાવત

18 મહિનાના કામમાં 26 મહિના લાગ્યા, કામ પુરું થવા છતાં નાગરિકો સુવિધાથી રહેશે વંચિત

રાજકોટની જનતાની આ તે કેવી કમનસીબી? તેની જ પરસેવાની કમાણીમાંથી મળતી સુવિધા ભોગવવા માટે રાજકીય પ્રસિધ્ધિની લ્હાય જ્યા સુધી નેતાઓને પુરી ન થાય ત્યા સુધી રાહ જોવી પડે! છેલ્લાં સવા બે વર્ષથી સવા લાખથી વધુ વાહનસવાર રોજેય 10 કી.મી.ની પ્રદક્ષિણા જેના કારણે વેઠી રહ્યા છે તેવા સાંઢિયા પુલનું કામ પુર્ણ થઇ ગયુ છે. રેડી ટુ પઝેશનમાં છે. હાલ માત્ર ડિવાઇડર પર સ્ટોન મારવાનું કામ અને એ પણ ચોવીસ કલાકથી ઓછા સમયમાં પુરુ થઇ જશે અને બુધવાર અથવા તો ગુરુવારે કોન્ટ્રાક્ટર આ નવો પુલ મનપાને સોંપી આપશે તેમ પ્રોજેક્ટ ઇન્ચાર્જ સિટી ઇજનેર અતુલ રાવલ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ.

પણ પ્રજા માટે અફસોસની વાત એ છે કે, નવા પદાધિકારીને ફોટોસેશનનો લાભ મળે અને સાથે આ બ્રિજના લોકાર્પણનો જશ મેળવવા કોઇ મોટા રાજકીય નેતા રાજકોટ આવે તેની તારીખ મળે પછી જ બ્રિજ જનતા માટે ખુલ્લો મુકાશે તેમ શંકાને કોઇ સ્થાન નથી. ત્યા સુધી રોજ સવા લાખ લોકોને 10 કી.મી. પ્રદક્ષિણા કરવાની કમનસીબી યથાવત રહેવાની છે.

રાજકોટના સાંઢિયાપુલનું લોકાર્પણ મનપાની ચૂંટણી પહેલા જુના શાસકોના કાર્યકાળમાં થાય તે માટે શક્ય તેટલા તમામ ઝડપી પ્રયાસ કરવામા આવ્યા હતા પરંતુ કેટલીક ટેકનિકલ અવરોધો વચ્ચે આ શક્ય બન્યુ ન હતુ. જો કે હાલ કામ સંપૂર્ણ પુર્ણ થવાના આરે છે. તા.20મીએ લોકાપર્ણ કરી શકાય તે સ્ટેજ પર કામ સંપુર્ણ કમ્પ્લિટ થઇ જશે તેમ અઠવાડિયા પહેલા જ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ. અને આજે આ પ્રોજેક્ટ સંભાળતા સિટી ઇજનેર અતુલ રાવલે સતાવાર રીતે એવુ કહ્યુ હતુ કે, કમિશનર સાહેબે જે તારીખ આપી હતી તે યથાવત જ રહેશે અને બુધવાર અથવા ગુરુવારે કોન્ટ્રાક્ટર બ્રિજનો કબજો સોંપી શકે છે.

હાલના કામમાં માત્ર ડિવાઇડર પર સ્ટોન લગાડવા માટેનું કામ અને એ પણ વધીને ચોવીસ કલાકમાં જ પુર્ણ કરી દેવાશે. નોંધનીય છે કે, સાંઢિયાપુલ બ્રિજનું કામ 18 મહિનામાં જ પુરુ કરવાની શરત હતી. તેના બદલે 26 મહિને પુરુ થયુ છે. કામ પુરુ થવા છતા પણ પ્રજાજાનોને તો બ્રિજ રેડી હોવા છતાં સુવિધા ભોગવવામા હજુ સુધી ક્યા સુધી કઠણાઇ ભોગવવાનું ચાલુ રહેવાનું છે તે જ નક્કી નથી.

બસપોર્ટથી જામનગર તરફ જતી
એસ.ટી.ની બસનું અંતર 5થી10 કિ.મી. ઘટશે, પણ શું ભાડુ ઘટશે ખરા?
સાંઢિયાપુલ બંધ થયા પછી બસપોર્ટથી ઉપડતી જામનગર, દ્વારકા, ખંભાળિયા, મોરબી અને કચ્છ તરફ જતી એસ.ટી. બસના ભાડા વધારી નાખવામા આવ્યા હતા. હવે જ્યારે સાંઢિયા પુલ શરૂૂ થવા જઇ રહ્યો છે ત્યારે એસ.ટી.ની બસના રૂૂટમાં પાંચથી સાત કિલોમીટરનું અંતર ઘટી જશે. હવે જોવાનું એ રહ્યુ કે, એસ.ટી. બસના ભાડામાં ઘટાડો થાય છે કે પછી જૈસે થે વૈસે જ ભાડા લૂંટ ચાલુ રહેશે. રાજકોટથી જામનગર અને મોરબી તરફ અપડાઉન કરનાર નોકરિયાત અને બિઝનેશમેનની સંખ્યા પણ વધુ છે.

રૈયારોડ, દોઢસો ફૂટ રિંગરોડ પર એસ.ટી. સહિત ભારે વાહનોના ટ્રાફિકથી ક્યારે મળશે છૂટકારો?
સાંઢિયાપુલ જ્યારથી બંધ કરવામા આવ્યો ત્યારથી ડાયવર્ઝન ભોમેશ્વર થઇને તો બીજીબાજુ રેલનગર-પોપટપરા રૂૂટથી ડાયવર્ટ કરવામા આવ્યો હતો પરંતુ એસ.ટી., સિટી બસ સહિતના ભારે વાહનો ભોમેશ્વર ફાટક કે પોપટપરા નાલા કે પછી રેલનગર બ્રિજમાંથી પસાર થઇ શકે તેમ ન હોવાથી નછૂટકે કિસાનપરા ચોકથી રૈયા સર્કલ અને ત્યાથી દોઢસો ફૂટ રિંગરોડ થઇને માધાપર ચોકડીએથી પસાર થાય છે. એસ.ટી. અને સિટી બસ સહિતના સેંકડો વાહનોથી આ રૂૂટ પર ટ્રાફિકનું ભારણ છેલ્લા 26 માસથી વધેલુ છે. જેના કારણે શહેરની અંદરની ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની છે. આખરે આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે? તેની રાહ શહેરીજનો જોઇ રહ્યા છે.

ગત સપ્તાહે જ એકસાથે માટી, સિમેન્ટ, લોખંડ ભરેલા 15 ટ્રક એકસાથે ચડાવીને કરાયુ હતુ લોડ ટેસ્ટિંગ
360 ટન(3.60 લાખ કિલો) ટન વજન ચડાવીને બ્રિજ ટેસ્ટિંગ કરાયુ હતુ
હજુ ગત સપ્તાહે જ સાંઢિયાપુલ પર માટી, સિમેન્ટ, કોંક્રિટ અને લોખંડ ભરેલા 15 મોટા ડમ્પરને એકસાથે પુલ પર ઉભા રાખવામા આવ્યા હતા. આશરે 360 ટન એટલે કે 3.60 લાખ કિલો વજન એકસાથે પુલ પર ચડાવીને રાખી મુકવામા આવ્યા હતા. બ્રિજમાં કોઇ વાઇબ્રેશન આવ્યુ ન હતુ. બ્રિજના પીલરમાં ચિત્રનગરીને અનુરૂૂપ વિવિધ પેન્ટીંગથી ટીપટોપ પણ કરી નખાયુ છે. બ્રિજની દિવાલોમાં પણ આકર્ષક રંગબેરંગી કલરકામ પણ થઇ ચુક્યુ છે.