સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાગલેની નિમણૂક

ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે IAS અધિકારી સંદીપ સાગલેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હરિત શુક્લાનું સ્થાન લેશે. કેન્દ્રીય ચૂંટણી પંચે…

ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે IAS અધિકારી સંદીપ સાગલેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હરિત શુક્લાનું સ્થાન લેશે. કેન્દ્રીય ચૂંટણી પંચે સત્તાવાર પત્ર જાહેર કરીને આ જવાબદારી સોંપી છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક અને અન્ય પેટાચૂંટણીઓના સંચાલનમાં તેમની ભૂમિકા મહત્વની રહેશે.

ચૂંટણી પંચે ગુજરાત સરકાર સાથે પરામર્શ બાદ આ નિર્ણય લીધો છે. રાજ્યના નવા મુખ્ય નિર્વાચન અધિકારી આઇએએસ સંદીપ સાગલે જે દિવસથી કાર્યભાર સંભાળશે તે તારીખથી આ આદેશ અમલી ગણાશે. સંદીપ સાગલેએ ગુજરાત સરકાર હેઠળના તેમના અન્ય તમામ વર્તમાન હોદ્દાઓ અથવા કાર્યભાર તાત્કાલિક છોડવાના રહેશે. આ નિમણૂક ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 13-કની પેટા-કલમ (1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી છે.

ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી IAS અધિકારી સંદીપ સાગલે મતદાર યાદી સુધારણા, ચૂંટણી આયોજન અને સંકલન જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવશે. નોંધનીય છે કે, IAS અધિકારી સંદીપ સાગલેની નિમણૂક આવતા સમયમાં રાજ્યમાં યોજાનારી વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

IAS અધિકારી સંદીપ સાગલે અગાઉ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ડિરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. સંદીપ સાગલેના વહીવટી અનુભવ અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમની પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયા સુચારૂૂ રીતે પૂર્ણ થાય તે માટે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.