ગુજરાત
સાંઇરામ દ્વારા લોક અને શ્ર્લોકના સમન્વય કાર્યક્રમનું આયોજન
રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે આગામી તા.15 ડિસેમ્બરે રાત્રે 9 વાગ્યે શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનના ઉપક્રમે લોક અને શ્ર્લોકના સમન્વય સમાન અનોખા કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ છે.
કાર્યક્રમના આયોજક અને જાણીતા સાહિત્ય-હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ જણાવ્યું હતુ કે, ગાયકે નિરવ રાયચુરા અને હિમાશું ચૌહાણના સંગાથે યોજાનાર આ કાર્યક્રમમાં પ્રવેશ નિ:શૂલ્ક છે પરંતુ રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત છે.
તેમણે જણાવેલ કે, આ નિત્ય બદલતી દુનિયામાં સતત સંઘર્ષ, દમન અને વિકારોના આક્રમણ વચ્ચે પણ પોતાના ધર્મમાં ચિરકાલ સુધી સ્થિર રહેવાની કળા એટલે સનાતની પરંપરા. પરમ સત્યની ખોજ અને મોજનું ઠેકાણું એટલે સનાતની પરંપરા. શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન આગામી 15 ડિસેમ્બર 2024 રવિવારના રોજ રાત્રે 9 કલાકે હેમુગઢવી હોલ ખાતે સનાતન સંધ્યા નામે એક વિશિષ્ટ કાર્યક્રમ કરી રહ્યું છે. જગદગુરુ શંકરાચાર્યજી જેમણે ચાર મઠની સ્થાપના કરી અખંડ ભારતની પ્રથમ સંકલ્પના આપી હતી. ત્યારે શંકરાચાર્યજીના જીવન ચરિત્રને લોકશૈલીમાં રજૂ કરવાનો આ નમ્ર પ્રયાસ છે. જેમાં સનાતન ધર્મના વિવિધ પાસાઓ તેમજ શંકરાચાર્યજીના જીવન અને કવનને સવિશેષ રૂૂપે સંગીતમય શૈલીમાં સાંઈરામ દવે તથા સાથી કલાકારો દ્વારા રજૂ કરાશે.
માત્ર હિંદુત્વ જ નહીં પણ મનુષ્યત્વથી દેવત્વ તરફની યાત્રા એટલે સનાતની પરંપરા. આ પરંપરાને ઉજાગર કરનારા આદિ શંકરાચાર્યજીના જીવન કવન અને સિદ્ધાંતોને લોકશૈલીમાં છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ એટલે સનાતન સંઘ્યા. સાંઈરામ દવે દ્વારા સનાતન સંધ્યા દ્વારા વેદની વાતોથી આજની વેદના દૂર કરી સંવેદના પ્રગટાવવાનો નમ્ર પ્રયાસ છે.
આ કાર્યક્રમમાં ઉદ્દઘાટક તરીકે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે થશે જ્યારે મુખ્ય અતિથિ તરીકે અમદાવાદથી ભાગવત કથાકાર રામેશ્વરબાપુ હરિયાણી, કેન્યા નૈરોબીથી અગ્રણી ઉધોગપતિ નીતિનભાઈ માલદે તેમજ ન્યૂ દિલ્હી ભારત સ્કાઉટ ગાઈડના નેશનલ કમિશનર મનિષભાઈ મહેતા હાજરી આપશે.
આ સમગ્ર કાર્યક્રમ નિ:શુલ્ક રહેશે પરંતુ એન્ટ્રી માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. પ્રવેશ માટે આપ શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનની વેબસાઇટwww. sailaxmi foundation .com/sanatan sandhya પર કલીક કરી આપનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશો. સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના આ સનાતન યજ્ઞમાં શ્રોતા તરીકે આહૂતિ સ્વિકારવા આપને પરિવાર સાથે પધારવા સાદર નિમંત્રણ છે. 15 ડિસેમ્બર રાત્રે 9.00 કલાકે, હેમુગઢવી હોલ, રાજકોટ.
શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન આ પહેલા પણ છંદોત્સવ, હાલરડા, બાલવાર્તા સેમિનાર, ભાષાનું ભાવિ, ’ક’ કેળવણીનો ’ક’ જેવા હાંસિયામાં ધકેલાઈ ગયા વિષયો પર વિશિષ્ટ કાર્યક્રમો આપી ચુક્યું છે. કાર્યક્રમમાં મર્યાદિત લોકો માટે હોવાથી વહેલી તકે આપનું રજીસ્ટ્રેશન કરાવી લેવા શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા નમ્ર અનુરોધ કરાયો છે.