ગુજરાત
પરિક્રમાના રૂટમાં રસ્તાઓ તાકીદે રિપેર કરવા સંતોની માગણી
ગિરનારમાં લીલી પરિક્રમા કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે ફરી એકવાર આ વખતે પણ શ્રદ્ધાળુઓ દ્વારા લીલી પરિક્રમાને લઈને છેલ્લા કેટલાય સમયથી રાહ જોવામાં આવી રહી છે. પરિક્રમા ક્યારે યોજાશે તે નક્કી થઈ ગયું છે. જેમાં 12 નવેમ્બરથી લઈને 15 નવેમ્બર સુધી આ પરિક્રમા યોજાવાની છે.કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનારના જંગલમાં યાત્રા કરવાના છે. ત્યારે આ વખતે યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તેને લઈને ગિરનાર મંડળ તેમજ સંતો દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ ઉતારા મંડળ અને તીર્થ ગોર દ્વારા લીલી પરિક્રમાને લઈને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. સંતો દ્વારા પોતાની અમુક ખાસ માંગ રજૂ કરવામાં આવી છે.
જેમાં ખાસ કરીને કોઈ પણ વિધર્મીનો પ્રવેશ લીલી પરિક્રમામાં ન થાય તેને લઈને માંગ કરવામાં આવી છે. સાથે જ પીવાના પાણી, ટોઇલેટ બ્લોકની સમસ્યા યાત્રાળુઓને ન નડે તેને લઈને પણ માંગણી કરવામાં આવી છે. ઉપરાંત વરસાદ બાદ ખરાબ થયેલા રસ્તાઓને સારા કરવામાં આવે તેવી પણ લાગણી સંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગામી 29 તારીખના રોજ કલેક્ટર દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બધા જ સાધુ-સંતો તેમજ પોલીસ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. જેમાં આ દરેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને શ્રદ્ધાળુઓને કોઈ પણ તકલીફ ન પડે તેને લઈને પહેલા ચર્ચા કરવામાં આવશે.