ઓખામાં તાંત્રિક વિધિના બહાને રૂા.48.85 લાખની ઠગાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાંત્રિક વિધિથી રૂૂપિયા બમણા કરી આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી કુલ રૂૂ. 48.85 લાખ મેળવી પરત નહીં આપવાના આક્ષેપ સાથે ઓખા…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાંત્રિક વિધિથી રૂૂપિયા બમણા કરી આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી કુલ રૂૂ. 48.85 લાખ મેળવી પરત નહીં આપવાના આક્ષેપ સાથે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે. મહેસાણા જિલ્લાના કડીમાં રહેતા એક શખ્સે તાંત્રિક વિધિ દ્વારા નાણાં બમણાં કરી આપવાનો વિશ્વાસ અપાવ્યો હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે મૂળ આરંભડા સીમ વિસ્તારના અને હાલ ગઢેચી ગામના વાડી વિસ્તારમાં રહેતા તથા ડ્રાઇવિંગ કામ કરતા ભાવસંગભા સાવજભા માણેક (ઉ.વ. 46)એ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યા મુજબ વર્ષ 2011માં તેઓ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતા. તે દરમિયાન આરંભડાના સલીમ જફર સીદી સાથે તેમની ઓળખાણ થઈ હતી. આશરે પાંચેક વર્ષ પહેલાં સલીમભાઈના ભાઈ આરિફ તથા અલી જાફર સીદી સાથે તેમનો પરિચય થયો હતો.

આ બંનેએ મહેસાણા જિલ્લાના કડીમાં રહેતા અનવર અબુભાઈ ઠેબા નામના શખ્સનો પરિચય કરાવ્યો હતો. અનવર તાંત્રિક વિધિ કરીને રૂૂપિયા બમણા કરી આપતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વાતમાં વિશ્વાસ આવતાં ફરિયાદીએ નાણાં આપ્યાં હોવાનું જણાવ્યું છે.

આ ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, અનવર અબુભાઈ સાથે મુલાકાત બાદ તાંત્રિક વિધિથી રૂૂપિયા બમણા કરી આપવાની વાત કરવામાં આવી હતી. શરૂૂઆતમાં ફરિયાદીએ રૂૂ. 2.50 લાખ આપ્યા હતા. ત્યાર બાદ ઓખા ખાતેના એક મકાનમાં તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું જણાવી ચાર દિવસ બાદ રૂૂપિયા બમણા થઈ જશે તેવો વિશ્વાસ અપાયો હતો. જોકે, નક્કી કરેલા સમય બાદ રૂૂપિયા પરત મળ્યા નહોતા. આ અંગે પૂછપરછ કરતાં જુદા-જુદા બહાનાં બતાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ ફરિયાદીને વિશ્વાસમાં રાખીને વધુ નાણાં મેળવવામાં આવ્યાં હોવાનો આક્ષેપ છે.

આ પ્રકરણમાં ફરિયાદી ઉપરાંત દીપકભાઈ સોઢા, મનોજભા માણેક, ખેતુભા માણેક સહિતના અન્ય લોકો પાસેથી પણ રૂૂપિયા મેળવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કેટલાક લોકોએ રોકડ રકમ આપી હતી, જ્યારે કેટલાક નાણાં બેંક ખાતામાં જમા કરાવાયા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.

ફરિયાદ મુજબ, આરોપીઓએ તાંત્રિક વિધિથી રૂૂપિયા બમણા કરી આપવાની લાલચ આપીને જુદા જુદા લોકો પાસેથી કુલ રૂૂ. 48,85,000 મેળવ્યા હતા. જો કે, લાંબા સમય સુધી નાણાં પરત નહીં મળતાં આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો

. આ સમગ્ર મામલે ઓખા મરીન પોલીસે મહેસાણાના કડીમાં રહેતા અનવર અબુભાઈ ઠેબા, આરિફ જફર સીદી અને અલી જફર સીદી સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.