જસદણના ગઢડિયા ગામની સીમમાં વાડીના મકાનમાંથી રૂા.1 લાખની ચોરી

જસદણ તાલુકાના ગઢડીયા ગામની સીમમાં ધોળા દિવસે ચોરીનો એક બનાવ સામે આવ્યો છે. એક ખેડૂત પરિવાર જ્યારે ગામમાં પ્રસંગમાં ગયો હતો, ત્યારે અજાણ્યા શખ્સોએ મકાનના…

જસદણ તાલુકાના ગઢડીયા ગામની સીમમાં ધોળા દિવસે ચોરીનો એક બનાવ સામે આવ્યો છે. એક ખેડૂત પરિવાર જ્યારે ગામમાં પ્રસંગમાં ગયો હતો, ત્યારે અજાણ્યા શખ્સોએ મકાનના તાળા ખોલી અંદરથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ મામલે જસદણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ ફરિયાદી સંતોષભાઈ મોહનભાઈ ચાવડા (ઉ.વ. 40), જેઓ ગઢડીયા ગામની સીમમાં ટીટોડીયા વિસ્તારમાં વાડીએ મકાન બનાવીને પરિવાર સાથે રહે છે, તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.

ગત તારીખ 25/04/2026 ના રોજ બપોરના સમયે ગામમાં કારજનો પ્રસંગ હોવાથી તેઓ પરિવાર સાથે મકાનને તાળું મારીને ગયા હતા. મકાનની ચાવી તેમણે સામે વાસણ નીચે છુપાવી હતી. બપોરે 12:00 થી 3:00 ના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ ચાવી શોધી અથવા તાળું ખોલી મકાનમાં પ્રવેશ્યો હતો. તસ્કરોએ દિવાલ પર ટીંગાડેલા થેલામાંથી સોના-ચાંદીના કિંમતી ઘરેણાની ચોરી કરી હતી. જ્યારે ફરિયાદી પરત આવ્યા ત્યારે તાળું ન ખુલતા તેમને શંકા ગઈ હતી. અંતે દાતરડા વડે લોક તોડીને અંદર તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. તસ્કરો વાડીના મકાનમાંથી સોનાનો હાર, સોનાની બુટી અને રોકડ રકમ સહીત રૂૂ.1.04 લાખની મતા ચોરી ગયા હતા. બનાવ અંગેની જાણ થતા જસદણ પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઈ એમ.ડી.ડુંગરભાઈ વાઘેલા ચલાવી રહ્યા છે.