ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરી

શહેરની ભાગોળે આજી ડેમ ચોકડી નજીક આવેલા ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પરિવારની નિંદ્રામાં ખલેલ પહોંચાડયા વિના ત્રણ મોબાઈલ, 42 હજારની…

શહેરની ભાગોળે આજી ડેમ ચોકડી નજીક આવેલા ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પરિવારની નિંદ્રામાં ખલેલ પહોંચાડયા વિના ત્રણ મોબાઈલ, 42 હજારની રોકડ અને સોનાની બુટી સહિત કુલ 1.30 લાખની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ ચોકડી પાસે ભારતનગર મેઇન રોડ પર રહેતા વનિતાબેન રાહુલભાઈ સોલંકી (ઉ.વ. 23) નામના પરિણીતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ ડ્રાઇવિંગ કામ કરે છે અને તેમને સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે. ગઇ તા. 28-6 ના પરિણીતાના દિયર કરણભાઈ ઘરે આવ્યા હોય જેથી પરિવારજનો રાત્રીના ત્રણેક વાગ્યા સુધી વાતચીત કરતા હતા અને બાદમાં ઊંઘી ગયા હતા. મકાનનો દરવાજો ખુલ્લો હતો.

દરમિયાન સવારના 5:30 વાગ્યે પરિણીતાની ઊંઘ ઊડતા ઘરમાં મોબાઇલ ફોન રાખ્યો હોય તે જોવા મળ્યો ન હતો. જેથી પતિને જગાવી વાત કરી હતી અને ઘરમાં ચોરી થય ની શંકા જતા ઘરમાં તપાસ કરતા તેના પતિ અને દિયરનો પણ ફોન જોવા મળ્યો ન હતો. બાદમાં ઘરમાં સામાન ચેક કરતા કબાટમાં પૈસા મૂક્યા હતા જેમાં કબાટમાંથી રૂૂપિયા 42 હજાર રોકડ જોવા મળી ન હતી તથા સોનાની બુટી પડી હતી તે પણ ચોરી થઈ ગયાનુ માલુમ પડ્યું હતું.

બાદમાં પરિવારને તેમના મૂળ વતન સિહોરના મઢડા ગામ જવાનું થતા તેઓ અહીંથી ચાલ્યા ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ ઘરમાંથી ત્રણ મોબાઇલ ફોન, રોકડ રૂૂપિયા 42000 અને સોનાની બુટ્ટી કિંમત રૂૂપિયા 45,000 સહિત રૂૂપિયા 1.30 લાખની ચોરી થયા અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.