Site icon Gujarat Mirror

ઉપલેટામાં નર્સનો પીછો કરી રોમિયોએ સંબંધ રાખવા ધમકી આપી છેડતી કરી

ઉપલેટામાં હોસ્પિટલની નર્સની છેડતી કરી ધરાર સંબંધ રાખવા દબાણ કરી રોમિયોએ લાફો ઝીંક્યો હોય આ મામલે પોલીસે તાત્કાલિક કાયવાહી કરી રોમિયોને જેલના સળિયા ગણાવ્યા છે. ઉપલેટામાં એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ સાથે છેડતી અને મારપીટની શરમનાક ઘટના સામે આવી છે. ધરાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી રહેલા એક માથાભારે શખ્સે નર્સનો પીછો કરી તેને જાહેરમાં થપ્પડ મારી ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ઉપલેટાની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતી યુવતી છેલ્લા કેટલાય સમયથી ઉદય પાનેરા નામના શખ્સના ત્રાસથી પરેશાન હતી. ઉદય નામનો આ રોમિયો નર્સ સાથે ધરાર સંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો. યુવતીએ તેને અનેકવાર સમજાવવા છતાં તે નર્સનો પીછો કરવાનું છોડતો નહોતો. ઘટનાના દિવસે જ્યારે નર્સ પોતાની ફરજ પરથી પરત ફરી રહી હતી, ત્યારે ઉદય પાનેરાએ ફરી તેનો રસ્તો રોક્યો હતો. નર્સે તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવાની સ્પષ્ટ ના પાડી દેતા ઉદય ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા શખ્સે નર્સ પર હુમલો કરી તેને જાહેરમાં જોરદાર થપ્પડ મારી દીધી હતી અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.

આ ઘટનાથી ગભરાયેલી નર્સે હિંમત હાર્યા વગર તાત્કાલિક ઉપલેટા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને ઉદય પાનેરા વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. મહિલાની સુરક્ષાને ધ્યાને રાખીને ઉપલેટા પોલીસે ત્વરિત એક્શન લીધા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ઉદય પાનેરાની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી તેને ’કાયદાના પાઠ’ ભણાવ્યા હતા.

Exit mobile version