RMCનું કાલે જનરલ બોર્ડ, TP(તોડ-પાણી) શાખાને ‘અડફેટે’ લેવા વિપક્ષની રણનીતિ

રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા એટલે ભ્રષ્ટાચારનો મસમોટો ભોરીંગ, લાખો-કરોડો-અબજો રૂૂપિયાની ભ્રષ્ટ ‘પ્રેકટિસ’ આ મલાઇદાર શાખામાં ચાલી રહી હોય ગેરકાયદે બાંધકામ કરનારાઓ પાસેથી ટેબલ નીચેનો મસમોટો…

રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા એટલે ભ્રષ્ટાચારનો મસમોટો ભોરીંગ, લાખો-કરોડો-અબજો રૂૂપિયાની ભ્રષ્ટ ‘પ્રેકટિસ’ આ મલાઇદાર શાખામાં ચાલી રહી હોય ગેરકાયદે બાંધકામ કરનારાઓ પાસેથી ટેબલ નીચેનો મસમોટો વહીવટ કરીને આવા માચડાં ખડકાઇ ગયા છે અને હજુ પણ ખડકાઇ જ રહ્યા છે. ટીઆરપી કાંડ પછી પછી ગેરકાયદે બાંધકામોની આડમાં ભ્રષ્ટાચારને લગામ લગાવી શકાઇ નથી તે સતાવાર રીતે ઓનપેપર સાબિત એટલા માટે થઇ ગયુ છે કે, છેલ્લા 2 વર્ષમાં 2000થી વધુ ગેરકાયદે બાંધકામોને 260(1) અને 260(2)ની નોટિસ અપાયા બાદ માત્ર આંગળીના વેઠે ગણી શકાય તેટલા બાંધકામ સામે જ પગલા લેવાયા છે ત્યારે ટાઉન પ્લાનીંગ(તોડ-પાણી) શાખાની શંકાસ્પદ ભુમિકાને જાહેરમાં ખુલ્લી પાડવા માટે આગતીકાલે મળનાર જનરલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના નગરસેવિકા દિપ્તીબેન સોલંકીએ સંખ્યાબંધ સવાલોના ચક્રવ્યુહ વચ્ચે ટાઉન પ્લાનીંગના મુખ્ય અધિકારી અને જે તે વોર્ડના આસી. ટાઉન પ્લાનર(એટીપી)ને નામ જોગ ખુલ્લા પાડવા માહિતી માગી છે.

કાલે મળનાર જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં સૌપ્રથમ સવાલ ભાજપના નગરસેવક સંજયભાઇ ચાવડાએ મનપાની ઝોન કચેરી સહિતની બિલ્ડીંગમાં વીજળીનું બીલ કેટલુ આવે છે? કેટલામાં સોલાર પેનલ છે? મિલકત અને પાણીવેરામાં હાલ ચાલતી વ્યાજમાફીની યોજનામાં કેટલા કરદાતાઓએ લાભ લીધો છે? તે સહિતના સવાલો પુછયા છે. બીજો પ્રશ્ન સ્ટેન્ડિંગ સભ્ય અંજનાબેન મોરજરિયાએ મહિલાઓના ઉત્કર્ષ માટે પ્રોજેક્ટ શાખા હસ્તક કેટલી યોજના ચાલે છે? છેલ્લા એક વર્ષમાં કેટલી મહિલાઓએ લાભ લીધો? તેની વિગત માગી છે. ત્રીજા ક્રમે માર્કેટ સમિતિના ચેરમેન મોહિતસિંહ જાડેજાએ છેલ્લા 5 વર્ષમાં દીવાળી કાર્નિવલ પાછળ થયેલા કુલ ખર્ચની વિગત માગી છે. જેમા ટેન્ડરથી કેટલા કામ અપાયા હતા તેની માહિતી પણ માગી છે.

ચોથા ક્રમે વિપક્ષ કોંગ્રસ છે. વોર્ડ નં.16ના નગરસેવક દિપ્તીબેન હરેશભાઇ સોલંકીએ જંગલેશ્વર ડિમોલિશન ઉપરાંત શહેરભરમાં અન્ય વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોને લઇને ટીપી શાખાને હડફેટે લેવા સવાલોનો ચક્રવ્યુહ રચ્યો છે. અગાઉના જનરલ બોર્ડમાં તંત્ર તરફથી જ એવો સતાવાર લેખિત જવાબ અપાયો હતો કે, ટીઆરપી બાદ જંગલેશ્વરને બાદ કરતા અન્ય વિસ્તારોમાં વ્યક્તિગત 2000થી વધુ ગેરકાયદે બાંધકામોને 260(1) અને 260(2)ની નોટીસ અપાયેલી છે. આ 2000 બાંધકામો પૈકી કેટલા બાંધકામ સામે કાયદેસરના પગલાં લેવાયા? અને નોટિસ અપાયા બાદ કોઇપણ પ્રકારની કાર્યવાહી થઇ ન હોય તેવા બાંધકામ કેટલા? એ સહિતની માહિતી માગવામા આવી છે. આ ઉપરાંત વિપક્ષી સભ્ય દિપ્તીબેને મનપા કચેરીઓનું કુલ વાર્ષિક વીજળી બીલ, બીઆરટીએસ અને સીટી બસના કોન્ટ્રાક્ટર સામે અત્યાર સુધી ક્યા અને કેવા પ્રકારના પગલાં લેવાયા? તેની વિગત માગી છે.

પાંચમાં ક્રમે પણ વિપક્ષ કોંગ્રેસના જ સભ્ય અર્જુનભાઇ પેથાભાઇ ચૌહાણે 2015થી અત્યાર સુધી મનપાની માલિકીના કેટલા પ્લોટ હરાજીથી વેંચાણ કરવામા આવ્યા? તેની વિગત માગી છે. જ્યારે છઠ્ઠા ક્રમે પણ કોંગ્રેસના સભ્ય ઇબ્રાહીમભાઇ સોરાએ શહેરી ગરીબો માટે આવાસ બનાવવાના હેતુના કેટલા પ્લોટમાં દબાણ છે? ભુતકાળમાં જે આ જમીન હતી તેમની હેતુફેર કરેલી હોય તે ક્યા પરિપત્ર અને કોના ઠરાવથી કરાયો? એ સહિતની માહિતી માગવામા આવી છે.

72 નગરસેવકોમાંથી પ્રશ્ન મુકનાર માત્ર 9 જ સક્રિય, બાકીના 63 પ્રેક્ષકની જેમ આવશે!
પ્રશ્ન મુકનાર નગરસેવક પ્રશ્નની સંખ્યા
સંજયભાઇ ચાવડા 2
અંજનાબેન મોરઝરિયા 2
મોહિતસિંહ જાડેજા 1
દિપ્તીબેન સોલંકી 3
અર્જુનભાઇ ચૌહાણ 2
ઇબ્રાહીમભાઇ સોરા 3
રસિલાબેન ગરૈયા 3
જયશ્રીબા જાડેજા 3
કૌશિકભાઇ ટાંક 3

જે-તે વિસ્તારના ATP પ્રથમ વખત ભરી સભામાં ખુલ્લા પડશે
શહેરમાં ટીપીઆરપી કાંડ બાદ જંગલેશ્વરને બાદ કરતા 2000થી વધુ ગેરકાયદે બાંધકામો સામે નોટિસ નીકળી છે. તેમાથી માત્ર આંગળીના વેઢે જ ગણી શકાય તેટલા બાંધકામ તુટ્યા છે. સેંકડો બાંધકામ નોટિસ બાદ ‘વહીવટ’ની ઓથે આબાદ બચી ગયા છે તેવી આશંકા સાથે વિપક્ષે માગેલી માહિતીમાં જે તે વિસ્તાર અને એ વિસ્તારના આસી.ટાઉન પ્લાનર અધિકારી(એટીપી)ના નામ જોગ માહિતી માગી છે. ભરી સભામાં આવા તમામ એટીપીના નામ ખુલ્લા પાડવામા આવશે કે કેમ? તે હવે આવતીમાલે બોર્ડમાં જોવાશે.