Site icon Gujarat Mirror

તહેવાર ટાણે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વોકીંગમાં નીકળેલા આધેડ સહિત ત્રણ લોકોના ઢળી પડતાં મોત

સોરઠિયા પાર્કમાં પ્રૌઢ, નિર્મળા કોન્વેન્ટ રોડની પ્રૌઢા અને રૈયાગામમાં આધેડને આવેલો હાર્ટ એટેક જીવલેણ નિવડયો

રાજકોટ સહિત રાજ્યભરમાં તહેવાર ટાણે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત રહ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રૈયાગામ મફતીયાપરા વિસ્તારમાં રહેતાં આધેડ વોકીંગ કરવા નીકળ્યા હતાં ત્યારે ઢળી પડતાં મોત નિપજ્યું હતું. આ ઉપરાંત સોરઠીયા પાર્કમાં પ્રૌઢ અને નિર્મલા કોન્વેન્ટ રોડ પર પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. મૃતકોના પરિવારમાં તહેવાર ટાણે કાળો કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં રૈયાગામ વિસ્તારમાં આવેલા મફતીયાપરામાં રહેતાં રમેશભાઈ હિરાભાઈ પરમાર નામના 54 વર્ષના આધેડ રાત્રીનાં અગિયારેક વાગ્યાના અરસામાં વોકીંગમાં નીકળ્યા હતાં ત્યારે ગ્રીન સીટી પાસે પહોંચતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ ત્રણ ભાઈ એક બહેનમાં મોટા હતાં અને તેમને સંતાનમા ત્રણ પુત્ર અને એક પુત્રી છે. રમેશભાઈ પરમાર પહેલી વખત વોકીંગમાં નીકળ્યા હતાં તે દરમિયાન આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં કોઠારીયા રોડ પર આવેલા સોરઠીયા પાર્કમાં રહેતાં તેજશભાઈ નરેન્દ્રભાઈ મહેતા નામના 45 વર્ષના પ્રૌઢ રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક પ્રૌઢ બે ભાઈમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં નિર્મલા કોન્વેન્ટ રોડ પર ફાયર બ્રિગેડની સામે રહેતાં સંગીતાબેન કૌશલભાઈ અઘેરા નામના 59 વર્ષના પૌઢા પોતાના ઘરે હતા ત્યારે બેશુધ્ધ હાલતમાં ઢળી પડયા હતાં. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જણાવતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version