Site icon Gujarat Mirror

પાકિસ્તાનમાં મેચ રમવા ન જવાનો નિર્ણય યોગ્ય

વિશ્ર્વ ક્રિકેટમાં મિની વર્લ્ડકપ મનાતી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાનમાં રમાવાની છે ત્યારે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમીને ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સાથે ફરી ક્રિકેટ સંબંધો સ્થાપિત કરશે એવી વાતો ચાલી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (ઇઈઈઈં) એ આ વાતો પર ટાઢું પાણી રેડીને જાહેર કર્યું છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (ઇઈઈઈં)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઙઈઇ) ને પત્ર લખીને પોતાની પાકિસ્તાનમાં નહીં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે ને એ માટે કારણ પણ આપ્યું છે કે, ભારત સરકાર નથી ઈચ્છતી કે, ભારતની ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા જાય. આઈસીસીએ પણ પાકિસ્તાનને મેલ કરીને કહી દીધું છે કે, સુરક્ષાનાં કારણોસર ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા તૈયાર નથી. બીસીસીઆઈએ હાયબ્રિડ મોડેલ પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની તૈયારી બતાવી છે.

ભારતે આ મોડલ હેઠળ પોતાની મેચ દુબઈમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બીસીસીઆઈએ પહેલાં પણ પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કરેલો જ તેથી આ વાતમાં કશું નવું નથી પણ પાકિસ્તાન બઘવાયું છે. જો કે તમાચો મારીને મોં લાલ રાખતાં પીસીબીના ચીફ મોહસિન નકવીએ એવું કહ્યું છે કે, હજુ સુધી અમને લેખિતમાં કંઈ મળ્યું નથી. અમને લેખિતમાં કંઈપણ મળશે તો હું તરત જ મીડિયા અને સરકારને જાણ કરીશ જ. નકવીએ આડકતરી રીતે ધમકી પણ આપી છે કે, પાકિસ્તાને તાજેતરના વર્ષોમાં હંમેશાં સારું વર્તન કર્યું છે પણ દરેક વખતે અમારી પાસેથી સારાની અપેક્ષા રાખતા નહીં. નકવીની વાતનો મતલબ એ થાય કે, પીસીબી બીસીસીઆઈ સામે પગલાં લઈ શકે છે અને મીડિયા રિપોર્ટની વાત માનીએ તો પીસીબી બીસીસીઆઈ સામે ઈન્ટરનેશનલ કોર્ટમાં જવાની તૈયારી પણ કરવા માંડ્યું છે. ભારતને પોતાની મેચો ક્યારે ને ક્યાં રમાશે તેનાથી બહુ ફરક પડતો નથી. ભારતે સલામતીનું કારણ આપ્યું છે પણ કારણ સલામતીનું નથી એ પણ બધાં જાણે છે.

મૂળ વાત એ છે કે, ભારતીય ટીમ પાકિસ્તાનની ધરતી પર રમવા જ નથી ઈચ્છતી ને તેનું કારણ પાકિસ્તાન દ્વારા ભારતમાં ફેલાવાતો આતંકવાદ છે. મુંબઈમાં 2008ના નવેમ્બરમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો કાપી નાંખ્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ 16 વર્ષથી પાકિસ્તાન ગઈ નથી. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. 3 ટેસ્ટ મેચની શ્રેણી ભારતીય ટીમે 1-0થી જીતી હતી. આ શ્રેણીની 2 મેચ ડ્રો રહી હતી. ભારતે એ પછી પાકિસ્તાન સાથે ફરી ક્રિકેટ સંબંધો સ્થાપિત કરવા પ્રયત્ન કર્યા જ છે. તેના ભાગરૂૂપે પાકિસ્તાનની ટીમ 2012-13માં ભારત આવી હતી. આ પ્રવાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વન ડે મેચો અને 2 ટી-20 મેચ રમાઈ હતી. પાકિસ્તાને વન ડે સિરીઝ 2-1થી જીતી હતી જ્યારે ટી-20 સિરીઝ 1-1થી બરાબર થઈ હતી.

ભારત એ વખતે ફરી પાકિસ્તાન સાથેના સંબંધો સામાન્ય કરવા તૈયાર હતું પણ પાકિસ્તાન ના સુધર્યું અને આતંકવાક ચાલુ રાખ્યો તેથી ભારતે પછી ક્રિકેટ સંબંધો પર પૂર્ણવિરામ જ મૂકી દીધું. ગયા વર્ષે એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળી હતી. ત્યારે પણ ભારતે પાકિસ્તાનમાં રમવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ કારણે ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર યોજાઈ હતી. ભારતની મેચો શ્રીલંકામાં યોજાઈ હતી. ભારતનું વલણ યોગ્ય છે એ કહેવાની જરૂૂર નથી. પાકિસ્તાનના ઈશારે ભારતની ધરતી પર નિર્દોષોનાં લોહી રેડાય ને આપણે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા જઈએ એટલા નકટા તો નથી જ. ક્રિકેટ નહીં રમાય તો કોઈ ફરક પડી જવાનો નથી. બીજું એ કે, પાકિસ્તાન પોતે બદલાવા તૈયાર નથી ને ભારતની ધરતી પર આતંકવાદ બંધ કરવા તૈયાર નથી તો ભારત શું કરવા બદલાય?

Exit mobile version