Site icon Gujarat Mirror

રિક્ષા ગેંગનો આતંક : ગોંડલ ચોકડીએ તરૂણના ખીસ્સામાંથી 19 હજારની ઉઠાંતરી

રાજકોટ શહેરમાં રિક્ષા ગેંગના કરતૂતો અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ફરી એકવાર ગોંડલ ચોકડી બ્રિજ પાસે રિક્ષા ગેંગે એક માસૂમ તરુણને પોતાનો શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ કિસ્સામાં રિક્ષામાં પેસેન્જર બનીને બેઠેલા બદમાશોએ 17 વર્ષીય તરુણના ખિસ્સામાંથી 19,000 રૂૂપિયાની મત્તા સેરવી લીધી હતી. મળતી વિગતો અનુસાર, શહેરના ઉમિયા ચોક પાસે આવેલા સરસ્વતીનગર શેરી નં. 10માં રહેતો વિકી સુરેશભાઈ સોલંકી નામનો તરુણ ગત તા. 19ના રોજ સવારે શાક-બકાલું લેવા માટે જૂના માર્કેટિંગ યાર્ડ જવા નીકળ્યો હતો. તે ગોંડલ ચોકડી બ્રિજ પાસેથી એક રિક્ષામાં બેઠો હતો, જેમાં પહેલેથી જ ત્રણ પેસેન્જરો સવાર હતા. આ પેસેન્જરો વાસ્તવમાં રિક્ષા ગેંગના જ સભ્યો હતા.

રિક્ષામાં મુસાફરી દરમિયાન વિકીની બાજુમાં બેઠેલા એક શખ્સે વારંવાર રિક્ષાની બહાર થૂંકવાનું બહાનું કાઢી વિકીને ધક્કા મારી તેનું ધ્યાન ભટકાવ્યું હતું. આ ઝપાઝપી અને ગડમથલનો લાભ ઉઠાવી તસ્કર શખ્સે અત્યંત સિફતપૂર્વક વિકીના ખિસ્સામાં રહેલા રોકડા 19,000 રૂૂપિયા ચોરી લીધા હતા. તરુણને લૂંટી લીધા બાદ રિક્ષા ચાલકે તેને આજી ડેમ ચોકડીના બ્રિજ ઉપર ઉતારી દીધો હતો અને ગેંગ ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી. રિક્ષામાંથી ઉતર્યા બાદ જ્યારે વિકીએ પોતાનું ખિસ્સું ચેક કર્યું ત્યારે તેને પૈસા ગાયબ જણાયા હતા. આ બાબતે તેણે તુરંત તેના મોટાભાઈ વિશાલને જાણ કરી હતી અને ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

શહેરમાં છાશવારે બનતી રિક્ષા ગેંગની આવી ઘટનાઓએ મુસાફરોમાં ફફડાટ ફેલાવ્યો છે. જોકે, આજી ડેમ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં ટેકનોલોજી અને સીસીટીવી નેટવર્ક મજબૂત હોવાને કારણે આવા ગુનાઓ હવે લાંબો સમય અનડિટેક્ટ રહેતા નથી, જેથી પોલીસને આશા છે કે ટૂંક સમયમાં જ આ રિક્ષા ગેંગના સાગરીતો જેલના સળિયા પાછળ હશે.

Exit mobile version