Site icon Gujarat Mirror

કલેક્ટર કચેરીમાં રેવન્યુ ઇન્સ્પે. કમિશનરની તપાસ

રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં છેલ્લા બે દિવસથી ગાંધીનગરની રેવન્યું ઇન્સ્પેકશન કમિશનર (આરઆઈસી)ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરઆઈસીની ટીમે કચેરીના બિનખેતી વિભાગ સહિત અડધો ડઝનથી વધુ મહત્વના વિભાગોની ફાઈલોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ તપાસમાં વિવિધ પ્રકારની ફાઈલો અને કામગીરીને લગતા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરઆઈસીની ટીમ દ્વારા ખાસ કરીને બિનખેતીની જમીન સંબંધિત પ્રક્રિયાઓ અને તેમાં થયેલા ફાયદાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અન્ય કેટલાક વિભાગોની કામગીરી અને નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે.

જો કે, સત્તાવાર રીતે આ તપાસ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ એક નિયમિત પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે. તેમ છતાં, કલેકટર કચેરીના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓમાં આ તપાસને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ તપાસ ક્યારે પૂર્ણ થશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.

Exit mobile version