રાજકોટમાં કાયમી લોક અદાલતના ચેરમેન પદે નિવૃત્ત ડિસ્ટ્રિકટ જજ પ્રફુલ ગોકાણીની નિમણૂક

રાજકોટ સહિત રાજ્યના મુખ્ય જિલ્લાઓમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ સુલભ અને ઝડપી બનાવવાના હેતુથી કાયમી લોક અદાલત (પરમેનન્ટ લોક અદાલત) સેન્ટરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.…

રાજકોટ સહિત રાજ્યના મુખ્ય જિલ્લાઓમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ સુલભ અને ઝડપી બનાવવાના હેતુથી કાયમી લોક અદાલત (પરમેનન્ટ લોક અદાલત) સેન્ટરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજકોટ ખાતે આવતીકાલે કાયમી લોક અદાલતના નવનિર્મિત સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું ઉદ્ઘાટન સુપ્રીમ કોર્ટના સીનિયર જસ્ટિસ વિક્રમનાથના હસ્તે સુરતથી કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના તમામ ન્યાયાધીશો સુરત ખાતે ખાસ ઉપસ્થિત રહેશે. સુરત ખાતેથી યોજાનાર આ રાજ્યવ્યાપી ઉદ્ઘાટન કાર્યક્રમ મારફતે રાજકોટ સહિતના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતનો વિધિવત પ્રારંભ થશે.

ન્યાયિક વહીવટને સુદ્રઢ બનાવવાના ભાગરૂૂપે ગુજરાત સરકાર દ્વારા ચારેય મુખ્ય જિલ્લાઓ માટે કાયમી લોક અદાલતના ચેરમેનની નિમણૂક અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન અનુસાર, રાજકોટ ખાતેની કાયમી લોક અદાલતના ચેરમેન તરીકે નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ પ્રફુલ ગોકાણીની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદના કાયમી ચેરમેન તરીકે હીતાબેન ભટ્ટ, વડોદરાના ચેરમેન તરીકે ડી.પી. ગોહિલ અને સુરત ખાતે કાયમી અદાલતના ચેરમેન તરીકે એસ.એમ. મહેતાની વરણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કાયમી લોક અદાલતના ચેરમેન પદે નિમણૂક પામેલા આ ચારેય અનુભવી ન્યાયાધીશો અગાઉ વિવિધ જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરોક્ત ચારેય જિલ્લાના મુખ્ય મથકો ખાતે આ કાયમી લોક અદાલતો કાર્યરત કરવામાં આવશે. નિમણૂક પામેલા તમામ ચેરમેન પોતપોતાના જિલ્લાની મુખ્ય ડિસ્ટ્રિક્ટ અદાલત (જિલ્લા અદાલત) ખાતેથી જ પોતાની સેવાઓ આપશે. કાયમી લોક અદાલત શરૂૂ થવાથી સામાન્ય નાગરિકોના જાહેર ઉપયોગી સેવાઓને લગતા પ્રશ્નો અને વિવાદોનો સસ્તો, ઝડપી અને કાયમી ધોરણે નિકાલ શક્ય બનશે.