ક્રાઇમ
નિવૃત બેંક મેનેજરને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખ પડાવ્યા
મની લોન્ડરિંગના કેસનો ડર દેખાડી ગઠિયાએ અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
અમદાવાદ-સુરત-વડોદરા બાદ રાજકોટમાં પણ સાયબર ફ્રોડની ચોંકાવનારી ઘટના
દેશભરમાં સાયબર ગઠિયાઓ દ્વારા ડીજીટલ એરેસ્ટના નામે લાખો કરોડો રૂપિયાનો ચુનો લગાડવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના એક નિવૃત બેંક કર્મચારીને પણ સાયબર માફિયાએ જાળમાં ફસાવી ડિજિટલ એરેસ્ટના નામે 15 દિવસ સુધીબાનમાં લઈ રૂા. 56 લાખ પડાવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેણે નિવૃત બેંક કર્મચારીને 15 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટના નામે બાનમાં લીધા હોય અને બેંકના અલગ અલગ એકાઉન્ટમાં 56 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના હસનવાડીમાં વ્રજ નિકુંજ મકાનમાં રહેતા અને અગાઉ સુરતમાં પંજાબ બેંકમાં નોકરી કરતા અને હાલ નિવૃત મહેન્દ્રભાઈ અંદરજીભાઈ મહેતા ઉ.વ.73ની ફરિયાદના આધારે સાઈબર ક્રાઈમ પોલીસે ચાર બેન્ક એકાઉન્ટ ધારકો તથા તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધ્યો છે. મહેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા. 11 જુલાઈના રોજ તેઓ પોતાના પત્ની સાથે હોસ્પિટલમાં હતા ત્યારે એક અજાણ્યા નંબરમાંથી તેમને ફોન આવ્યો હતો. અને સામે વાત કરનાર અજાણ્યા હિન્દી ભાષી શખ્સે પોતે મુંબઈના તિલકનગર પોલીસ સ્ટેશનમાંથી બોલતો હોય અને મહેન્દ્રભાઈ વિરુદ્ધ મનીલોન્ડ્રીંગનો ગુનો નોંધાયો હોવાનું કહ્યું હતું અને વધુ વિગત માટે પોતાના પુત્રી વિનાયક સરનો મોબાઈલ નંબર આપી વાત કરવા જણાવ્યું હતું.
ફોન કરનાર તિલકનગરના પીઆઈ તરીકેની ઓળખ આપનાર શખ્સનો જે મોબાઈલ નંબરમાંથી ફોન આવ્યો હતો. તેમાં ફોન કરતા લાગતો ન હોય ત્યાર બાદ મહેન્દ્રભાઈને વોટ્સએપ કોલ આવ્યો હતો. અને હિન્દુભાષામાં વાત કરનાર શખ્સે મહેન્દ્રભાઈના આધારકાર્ડ ઉપર કેનેરા બેંકમાં એકાઉન્ટ ખુલ્યુ છે અને જેમાં અઢી કરોડ રૂપિયાનું બેલેન્સ હોય અને આ એકાઉન્ટનો ઉપયોગ છેતરપીંડીમાં થયો હોય તમારી ધરપકડનું વોરંટ કાઢવામાં આવે છે. નરેશ ગોયેલ નામના શખ્સે 247 લોકો સાથે છેતરપીંડી કરી છે તેમાં તમે પણ સંડોવાયેલા છો. તેમ કહ્યું હતું.
ત્યાર બાદ દર બે કલાકે વોટ્સએપ કોલ કરી રિપોર્ટ આપવા માટેની વાત કરી હતી. અને મહેન્દ્રભાઈનો સવાર-બપોર અને સાંજે તેમ ત્રણ વખત ફોટો પાડીને વોટ્સએપમાં મોકલવાનું કહેતા આ ફોટા પાડીને મહેન્દ્રભાઈ મોકલતા રહ્યા હતાં.
ત્યાર બાદ થોડા દિવસો પછી ફરી એક વોટ્સએપ નંબરમાંથી ફોન આવ્યો હતો અને પોતે સેબીના એન.ટી. મની લોન્ડ્રીંગ બાબતેનો એક પત્રો અને ડાયરેક્ટર ઓફ એન્ફોસમેન્ટ તેમજ આરબીઆઈ અને કેનેરા બેંકનું મહેન્દ્રભાઈના નામ વાળુ એટીએમ કાર્ડ અને બેંકનું સ્ટેટમેન્ટ વોટ્સએપ મારફતે મોકલ્યા હતા અને ફોન કરનારે મહેન્દ્રભાઈને ધમકી આપી બેંક એકાઉન્ટ તથા મ્યુચુલફન્ડ અને સ્ટોક માર્કેટમાં કરેલા રોકાણની તમામ માહિતી માંગતા મહેન્દ્રભાઈએ પોતાની પાસેથી આ માહિતી ફોન કરનારને આપી હતી. ત્યાર બાદ ફરીથી મહેન્દ્રભાઈને મનીલોન્ડરીંગ કેસમાં સંડોવણી છે કે નહીં તે બાબતે તપાસ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું અને આપેલા બેંક એકાઉન્ટમાં 56 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ ટ્રાન્સફર થયા બાદ છ દિવસ પછી જવાબ મળશે તેમ સાયબર ગઠિયાઓએ ફોન ઉપર મહેન્દ્રભાઈને વાત કરી હોય આ બાબતે છ દિવસ પછી સાયબર માફિયાઓનો સંપર્ક નહી થતાં અને જે નંબરમાંથી ફોન આવ્યા હોય તે નંબર બંધ હોય આ બાબતે મહેન્દ્રભાઈએ પોતાના પૌત્રને વાત કરતા અંતે છેતરપીંડી કરતાનું વાત કરતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ નાગરિકોને જાગૃત રહેવા અપીલ કર્યા છતાં લોકો હજુ અંધારામાં
ભારતમાં છેલ્લા ઘણા વખતથી ડિઝિટલ એરેસ્ટના નામે રૂપિયા પડાવતી સાયબર માફિયા ટોળકી સક્રિય થઈ છે. રાજકોટમાં જ છેલ્લા બે મહિનામાં આ બીજો બનાવ છે. અગાઉ રેસકોર્સ પાર્કમાં રહેતા પેટ્રોલીયમ કંપનીના નિવૃત કર્મચારી અશ્ર્વિનભાઈતલાટિયા સાથે આ મોડસઓપરેન્ડીથી એક કરોડની છેતરપીંડી થઈ હતી. સાયબર ક્રાઈમ અને ગુજરાત પોલીસ આ ડિઝીટલ એરેસ્ટના નામે લોક જાગૃતિ માટે છેલ્લા ઘણા વખતથી અનેક પ્રયાસો કરી રહી છે. છતાં હજુ પણ લોકો અંધારામાં હોવાનું આવા બનાવો બને ત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે.