Site icon Gujarat Mirror

કિંજલ દવેના સગાઈ રિસેપ્શનમાં નામાંકિત ગુજરાતી કલાકારો ગરબે ઘુમ્યા

વિવાદોને કોરાણે મૂકી ગીતા રબારી, વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, મોના થીબા, ‘લાલો’ ફિલ્મની ટીમ, ખજૂરભાઇ સહિતના ગુજરાતી કલાકારો હાજર રહ્યા

ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને ’ચાર ચાર બંગડીવાળી’ ફેમ કિંજલ દવે અને બિઝનેસમેન ધ્રુવીન શાની સગાઈ બાદ ગત 20મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
એસ.જી. હાઈવે પર આવેલી પ્રતિષ્ઠિત YMCA ક્લબ ખાતે યોજાયેલા આ પ્રસંગમાં ગુજરાતી મનોરંજન જગતના સિતારાઓ પધાર્યા હતા. લાલ રંગની સાડીમાં સજ્જ કિંજલ દવે અને ધ્રુવીન શાહની જોડીએ મહેમાનોના દિલ જીતી લીધા હતા.

રિસેપ્શનમાં કિંજલ દવેએ પરંપરાગત અને આધુનિક લુકના સંગમ સમાન લાલ કલરની સાડી પહેરી હતી, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. ધ્રુવીન શાહ સાથેની તેની ગ્રાન્ડ એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગ માત્ર એક પારિવારિક ઉત્સવ ન બની રહેતા ગુજરાતી ફિલ્મ અને સંગીત ઉદ્યોગનું એક મોટું સ્નેહમિલન બની ગયું હતું.

કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારી, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ, જીગ્નેશ બારોટ (કવિરાજ), ઉર્વશી રાદડિયા, અલ્પા પટેલ, કાજલ મહેરિયા, વિજય સુવાડા જેવા નામી ગાયકોએ હાજરી આપી હતી. આ ઉપરાંત હિતુ કનોડિયા, મોના થીબા, મોનલ ગજ્જર અને આરોહી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર લોકપ્રિય ’ખજૂરભાઈ’ ઉર્ફે નીતિન જાની, તરુણ જાની, ’લાલો’ ફિલ્મની ટીમ તેમજ જતીન અને પાર્થ પણ આ ખુશીના અવસરમાં સહભાગી થયા હતા.

ગુજરાતી સેલિબ્રેટીઓ ભેગા થાય અને ગરબા ન થાય તે અશક્ય છે. રિસેપ્શનના અંતે કિંજલ દવે, ધ્રુવીન શાહ અને ઉપસ્થિત તમામ કલાકારોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. નીતિન જાની સહિતના કલાકારોએ કપલ સાથે ગરબે ઘૂમીને માહોલને ખુશખુશાલ બનાવી દીધો હતો. કલાકારોના સૂર અને તાલે આખી સાંજ ગુંજી ઉઠી હતી.

ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025 ના રોજ ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી, જેનો વીડિયો તેણે ફેસબુક પર શેર કરીને સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે, આ સગાઈ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ’ટોક ઓફ ધ ટાઉન’ બની છે. અગાઉની સામાજિક ગૂંચવણો અને સમાજના એક વર્ગના વિરોધને કારણે આ બાબત ઘણી ચર્ચામાં રહી હતી. તેમ છતાં, મોટાભાગના ચાહકો કિંજલના આ નવા જીવનના આરંભને દિલથી આવકારી રહ્યા છે. તમામ વિવાદોને બાજુ પર રાખીને દવે અને શાહ પરિવારે આ અવસરને અત્યંત ધામધૂમથી ઉજવીને નવી શરૂૂઆત કરી છે.

Exit mobile version