Site icon Gujarat Mirror

હોર્મુઝ ખાડી ખૂલતા વિશ્ર્વભરમાં રાહત, ક્રૂડ અને ગેસના ભાવમાં રાતોરાત કડાકો

સોના-ચાંદીમાં ફરી તેજી, અમેરિકી શેરબજાર બંબાટ ભાગ્યું

ઈરાનના વિદેશ મંત્રીએ 49 દિવસ પછી હોર્મુઝ સ્ટ્રેટને કોમર્શિયલ જહાજો માટે ફરીથી ખોલવાની જાહેરાત કરી ત્યારે, ઊર્જા બજારમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. ઓઇલ અને ગેસના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ગેસના ભાવમાં 8.5% અને ઓઇલના ભાવમાં લગભગ 11%નો ઘટાડો થયો છે. યુદ્ધવિરામના બાકીના સમયગાળા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવ્યો છે, પરંતુ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ આ જાહેરાત કરતાની સાથે જ ક્રૂડ ઓઇલનો ભાવ 8.46 એટલે કે 8.5 ટકા ઘટીને 90.93 પ્રતિ બેરલ થઈ ગયો છે. સાથોસાથ અમેરિકી શેરબજારમાં પણ જોરદાર તેજી જોવા મળતા ડાઉજોન્સ ફરી 50 હજારની નજીક જઇ રહ્યો છે.

હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાથી ભારત માટે મોટી રાહત છે, કારણ કે દેશના 40 થી 50 ટકા ઓઇલ એવા દેશોમાંથી આવે છે જે સ્ટ્રેટમાંથી જહાજ મોકલે છે. હોર્મુઝ સ્ટ્રેટના અવરોધને કારણે, ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં લગભગ 15 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાથી ભારતની LPGની અછત પણ ઓછી થશે. LPGની આયાત 90% થી ઘટીને 40% થઈ ગઈ હતી.

આ જ કારણ છે કે ભારતમાં LPGની અછતનો અનુભવ થયો. અત્યાર સુધી, ક્રૂડ ઓઇલની ઊંચી કિંમત હોવા છતાં, પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ યથાવત રહ્યા હતા. હવે, સરકારી કંપનીઓના નુકસાનને આવરી લેવામાં આવશે.

હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાથી સપ્લાય ચેઇનની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ છે, જેની સીધી અસર શેરબજારના સેન્ટિમેન્ટ પર પડી છે. શુક્રવારે ભારતીય શેરબજાર બંધ થયા પછી આ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા હતા, પરંતુ તેની અસર ગિફ્ટ નિફ્ટી પર તરત જ દેખાઈ હતી. ગિફ્ટ નિફ્ટીમાં 400 પોઈન્ટ (લગભગ 2%)થી વધુનો ઉછાળો આવ્યો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે.

દરમિયાન અમેરિકી શેર બજારમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. ડાઉજોન્સ 868 પોઇન્ટ વધીને 49447 ઉપર પહોંચી ગયો છે. એક સમયે દિવસ દરમિયાન ડાઉજોન્સ 49717 સુધી પહોંચ્યો હતો. સોમવારે માર્કેટ ફરી ખુલશે ત્યારે ડાઉજોન્સ પ0 હજારને પાર થાય તેવી શકતા જોવા મળી રહી છે. ડાઉજોન્સની સાથે સાથે નાશ્ડેકમાં પણ 365 પોઇન્ટની જોરદાર તેજી જોવા મળતા 24468 ઉપર બંધ આવ્યો હતો.

સોમવારે ભારતીય બજારો ખુલશે ત્યારે રોકાણકારોની શરૂૂઆત મજબૂત રહેશે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ખાસ કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) તેમજ પેઇન્ટ, ટાયર અને એવિએશન સેક્ટરમાં મજબૂત ખરીદીને વેગ આપશે તેવી અપેક્ષા છે. ભૂ-રાજકીય તણાવ હળવો થવાથી વિદેશી રોકાણકારો (FII) પણ ભારત પ્રત્યે સકારાત્મક ભાવના તરફ દોરી જશે.

દરમિયાન યુધ્ધ વિરામ વચ્ચે સોના-ચાંદીમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. સોનાનો ભાવ 1500 વધીને 154605 પર પહોંચ્યો છે. જયારે રાજકોટની બજારમાં સોનું 157380 પર પહોંચ્યો છે. જો કે સૌથી મોટો વધારો ચાંદીમાં જોવા મળ્યો છે. ચાંદીમાં 9500નો વધારો નોંધાતા વાયદા બજારમાં ચાંદી 258100 ઉપર પહોંચી હતી જયારે રાજકોટમાં ચાંદીનો ભાવ 265140 પર જોવા મળ્યો હતો.

Exit mobile version