Site icon Gujarat Mirror

ત્રિપલ મર્ડરની ઘટનામાં લાશ સ્વીકારવાનો ઈનકાર, હત્યારાઓનું સરઘસ કાઢી મિલકતોનું ડિમોલિશન કરવા માંગ

આંબેડકરનગરમાં નજીવી બાબતે બે સગા ભાઈઓ સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમારની આ વિસ્તારનાં અરૂણ વિનોદ બારોટ અને તેના ભાઈ રમણ વિનોદ બારોટ સહિતના શખ્સોએ હત્યા કરી હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં મૃતક વિજયનો પુત્ર સુધીર તથા તેની માતા દેવુબેન અને પિતા વશરામભાઈને પણ ઈજા થઈ હોય આ ઘટના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે દલિત સમાજ એકઠો થયો હતો અને બન્ને ભાઈઓના મૃતદેહ સંભાળવાનો ઈન્કાર કરી દેતાં મામલો તગ બની ગયો હતો.

પ્રદેશ ભાજપના અગ્રણી અને દલિત સમાજના આગેવાન ગીરીશ પરમાર આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યું કે, આ બનાવ જ્યાં બન્યો ત્યાં આંબેડકરનગર વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોય અને જાહેરમાં બહેન દીકરીઓને નીકળવું પણ મુશ્કેલ બની ગયું હોય તેવી સ્થિતિ છે ત્યારે હત્યાના બનાવોથી દલિત સમાજની દિવાળી બગડી ગઈ છે.

દલિત સમાજ આ ઘટના બાદ બન્ને ભાઈઓના મૃતદેહોને ત્યાં સુધી નહીં સ્વિરકારે જ્યાં સુધી સમાજની માંગણીનો સ્વિકાર નહીં થાય. દલિત સમાજ દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા તેમજ હત્યારાઓ બુટલેગર હોય અને દારૂ વેચીને અનેક મિલકતો ઉભી કરી હોય આવી ગેરકાયદેસર મિલકતોનું તાત્કાલીક ડિમોલેશન કરવા અને ગેરકાયદેસર સંપત્તિની તપાસ કરી તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર અને કલેકટરને રજૂઆત કરી છે. આ માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવામાં આવશે નહીં.

આ પ્રકરણને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા દલિત સમાજ સાથે મીટીંગ કરીને યોગ્ય રસ્તો નીકળે તેવી ચર્ચા કરવામાં આવી છે અને હત્યાના બનાવનું રિક્ધટ્રકશન કરવામાં આવશે તેમજ દલિત સમાજ દ્વારા જે ડિમોલીશનની માંગ કરવામાં આવી રહી છે તે બાબતે મહાનગરપાલિકા તેમજ પીજીવીસીએલને સાથે રાખી આરોપીઓના ગેરકાયદેસર મિલકત બાબતની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જો કે આ મામલે સાંજ સુધીમાં પોલીસ અને દલિત સમાજ વચ્ચે સમાધાનનો રસ્તો નીકળશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

Exit mobile version