રાજકોટ ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા ટ્રેનોમાં મુસાફરોની ટિકિટોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વિના ટિકિટ તથા અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને અટકાવવા અને તહેવારોની મોસમમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ સતત ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ ડિવિઝન ટિકિટ ચેકિંગની આવકમાં સતત નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે.
આ જ ક્રમમાં 4 નવેમ્બર, 2026ના રોજ રાજકોટ ડિવિઝને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં ટિકિટ ચેકિંગના કુલ 1,917 કેસોમાંથી એક જ દિવસમાં ₹24.96 લાખની આવક મેળવી હતી. રાજકોટ ડિવિઝનના ઇતિહાસમાં ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં મેળવેલી આ અત્યાર સુધીની સર્વોચ્ચ આવક છે. અગાઉ 29 એપ્રિલ, 2022ના રોજ ટિકિટ ચેકિંગ દ્વારા એક દિવસમાં ₹15.96 લાખની આવક થઈ હતી. આ રીતે ડિવિઝને તેના પાછલા રેકોર્ડની સરખામણીએ આશરે 56.4 ટકા વધુ આવક પ્રાપ્ત કરી છે.
4 નવેમ્બર, 2026ના રોજ ટિકિટ ચેકિંગ દરમિયાન વિના ટિકિટ મુસાફરીના 1,632 કેસોમાંથી ₹22,53,955 ની આવક પ્રાપ્ત થઈ. નિયત શ્રેણી કરતા ઉચ્ચ શ્રેણીમાં મુસાફરી કરનારા 284 મુસાફરો પાસેથી ₹2,41,970ની આવક વસૂલવામાં આવી. વધુ સામાન (લગેજ) લઈને મુસાફરી કરનારા 1 મુસાફર પાસેથી ₹50 નો દંડ વસૂલ કરવામાં આવ્યો. આમ, કુલ 1,917 કેસોમાંથી ₹24,95,975 ની આવક પ્રાપ્ત થઈ, જે આશરે ₹24.96 લાખ થાય છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ ડિવિઝનલ ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર કે.સી. ગુર્જર અને અન્ય ટિકિટ ચેકિંગ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશના પરિણામે ડિવિઝને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 202627 દરમિયાન 1 એપ્રિલથી 31 ઓક્ટોબર, 2026 સુધીમાં રાજકોટ ડિવિઝન દ્વારા વિના ટિકિટ અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા કુલ 85,099 મુસાફરો પાસેથી ₹7.85 કરોડની આવક મેળવવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ટિકિટ ચેકિંગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી. તેમણે તમામ રેલ મુસાફરોને અપીલ કરી હતી કે તેઓ હંમેશાં યોગ્ય અને માન્ય ટિકિટ લઈને જ મુસાફરી કરે તથા રેલવેના નિયમોનું પાલન કરીને સુરક્ષિત અને ગૌરવપૂર્ણ રેલ યાત્રા સુનિશ્ચિત કરે.
