એક રાજ્ય, એક અધિનિયમ, એક નિયમની દિશામાં આગે કદમ, ચિંતન શિબિરમાં ‘ભૂમિ વહીવટમાં ટેકનોલોજી’ પર મંથન
ગુજરાત રેવેન્યુ વિભાગના બે દિવસીય ચિંતન શિબિરના બીજા દિવસે ‘એક રાજ્ય, એક અધિનિયમ, એક નિયમ’ (One State, One Act, One Rule)ના વિચારને મજબૂત સમર્થન મળ્યું છે. જૂના, અપ્રચલિત કાયદા, નિયમો અને પરિપત્રોને રદ્દ કરીને તેમને એક આધુનિક અને વ્યાપક કાયદા હેઠળ લાવવાની મુખ્ય ભલામણ કરવામાં આવી છે. આ અમલમાં આવશે તો રાજ્યમાં ‘CT ઓફ ડુઈંગ બિઝનેસ’ અને ‘CT ઓફ લિવિંગ’માં નોંધપાત્ર સુધારો થશે.સી.એલ. મીના અને જે.કે. આસ્તિક સમિતિઓએ પોતાના અહેવાલ સરકારને સોંપ્યા છે. અનેક જૂના ઠરાવોને એક વ્યાપક ઠરાવમાં સમાવેશ કરવાનું આયોજન છે, જે લાંબા સમયથી ચાલતા ભૂમિ વિવાદો અને કેસોમાં ઘટાડો લાવશે. અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિએ સત્રના અધ્યક્ષ તરીકે હાજરી આપી હતી.
વિશેષજ્ઞો અને વરિષ્ઠ અધિકારીઓને સાત જૂથોમાં વહેંચીને ભૂમિ વહીવટ અને નાગરિક સેવાઓ પર કાર્યમુખી ચર્ચાઓ કરવામાં આવી.ભૂમિ વહીવટમાં ટેક્નોલોજી પરના વિશેષ સત્રમાં આઈઆઈટી ગાંધીનગરના અસિસ્ટન્ટ પ્રોફેસર સમીર કુલકર્ણીએ કીનોટ સ્પીચ આપી. તેમણે જણાવ્યું કે બ્લોકચેન ટેક્નોલોજીથી ભૂમિ રેકોર્ડ્સને ટેમ્પર-પ્રૂફ બનાવી શકાય છે. એક વખત ડેટા બ્લોકચેનમાં દાખલ થઈ ગયા પછી અનધિકૃત ફેરફાર લગભગ અસંભવ બની જાય છે અને ભૂમિ કૌભાંડો અટકાવી શકાય છે.
AI વિશે વાત કરતાં કુલકર્ણીએ કહ્યું કે તે માત્ર દસ્તાવેજો વાંચશે નહીં, પરંતુ તેમના ઊંડા કાનૂની અર્થને સમજીને શંકાસ્પદ પ્રવૃત્તિઓને ફ્લેગ કરશે. ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિશન (OCR)થી જૂના હાથથી લખેલા દસ્તાવેજોને ડિજિટાઈઝ કરી શકાશે, જ્યારે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) કાનૂની ભાષાનું વિશ્ર્લેષણ કરશે અને અનિયમિતતાઓને તરત જ શોધી કાઢશે.
ચિંતન શિબિરની મુખ્ય હાઈલાઈટ્સ
સેન્ટ્રલ ગુજરાતના જિલ્લાઓમાં રેવેન્યુ વહીવટની સારી પ્રેક્ટિસનું પ્રસ્તુતિકરણ.
વડોદરા કલેક્ટર અનિલ ધમેલિયાએ એક વર્ષમાં 20,000 રેવેન્યુ કેસો નિવાર્યાની માહિતી આપી.
સેક્શન 63-એડી, SARFAESI અને ટેલિગ્રાફ એક્ટ હેઠળ કેસોના નિવારણને વેગ આપવા પર ભાર.
4ઉત્તર ગુજરાતના જિલ્લાઓએ વધુ કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિક કેન્દ્રિત પ્રેક્ટિસ રજૂ કરી.
જંતરી દરોનું AI આધારિત વાર્ષિક રિવિઝન, ગૌચર જમીનની ફાળવણીમાં કલેક્ટરને વધુ અધિકાર, સેક્શન 73-એએ, 63-એબી અને 63-એડીને સરળ બનાવવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા.
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ અતિક્રમણ હટાવીને રૂા. 2,325 કરોડની સરકારી જમીન મુક્ત કરવાની સિદ્ધિ જણાવી.
4આ ચિંતન શિબિર ગુજરાતના ભૂમિ વહીવટને આધુનિક અને પારદર્શક બનાવવા તરફનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. સરકાર આ ભલામણોને અમલમાં મૂકવા માટે તૈયારી કરી રહી છે.
