રાજકોટમાં વાહન ચાલકો બેફામ: હિટ એન્ડ રનની બે ઘટનામાં બેના મોત

  રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે બનાવમાં એઇમ્સ હોસ્પિટલમાંથી…

 

રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે બનાવમાં એઇમ્સ હોસ્પિટલમાંથી દવા લઇને પરત ફરતા બાઇક ચાલકને કારે અને વિરડા વાજડી પાસે રોડ ક્રોસ કરતા આધેડને અજાણયા વાહન ચાલકે ઉલાળતા બંન્ને આધેડના મોત નીપજ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ પોરબંદરના વતની અને હાલ મવડી ચોકડી પાસે હિમાલય શેરી નં.2માં રહેતા અશોકભાઇ પ્રેમજીભાઇ છાયા (ઉ.વ.58) એઇમ્સ હોસ્પિટલમાંથી દવા લઇ બપોરના સમયે બાઇક લઇ પરત ફરતા હતા ત્યારે એઇમ્સ સર્કલ નજીક કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા ત્રણ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં મેટોડામાં આવેલા મીતપાર્ક -2માં રહેતા હસમુખભાઇ ભોજાભાઇ ચૌહાણ (ઉ.વ.56) સાંજના છએક વાગ્યાના અરસામા પોતાની છકડો રીક્ષા લઇ વીરડા વાજડી પાસેથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન રીક્ષામાં ડિઝલ ખલાસ થતા હસમુખભાઇ ચૌહાણ રીક્ષા સાઇડમાં રાખી રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન અજાણયા વાહન ચાલકે હસમુખભાઇ ચૌહાણને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.