Site icon Gujarat Mirror

રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટમાં તેજી, ડિસેમ્બરમાં 13,521 દસ્તાવેજો નોંધાયા

રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી, રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવેલા ડિસેમ્બર-2025 ના આંકડાઓ મુજબ, સમગ્ર જિલ્લામાં મિલકત નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી પેટે સરકારને માતબર આવક થઈ છે. છેલ્લા એક મહિનામાં જિલ્લાની વિવિધ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં કુલ 13,521 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી છે.

આંકડાકીય વિશ્ર્લેષણ મુજબ, રાજકોટની જ.છ.ઘ-5 મવા કચેરી આવકની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે રહી છે. આ કચેરીમાં માત્ર 804 દસ્તાવેજોની નોંધણી સામે સૌથી વધુ ₹10.54 કરોડની કુલ આવક નોંધાઈ છે, જેમાં ₹9.13 કરોડ સ્ટેમ્પ ડ્યુટીનો સમાવેશ થાય છે. જ્યારે દસ્તાવેજોની સંખ્યાની દ્રષ્ટિએ જ.છ.ઘ-2 મોરબી રોડ કચેરી સૌથી વ્યસ્ત રહી હતી, જ્યાં સૌથી વધુ 1,734 દસ્તાવેજો નોંધાયા હતા અને ₹8.45 કરોડની આવક થઈ હતી.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મિલકત લે-વેચની પ્રવૃત્તિ જોવા મળી હતી. જેતપુરમાં 699 દસ્તાવેજો (₹2.69 કરોડ), લોધિકામાં 835 દસ્તાવેજો (₹5.43 કરોડ) અને ઉપલેટામાં 484 દસ્તાવેજો દ્વારા ₹5.58 કરોડની આવક થઈ છે. સૌથી ઓછી નોંધણી જામકંડોરણા કચેરીમાં માત્ર 107 દસ્તાવેજોની નોંધાઈ છે.

સમગ્ર રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, ડિસેમ્બર માસ દરમિયાન નોંધણી ફી પેટે ₹11.29 કરોડ અને વપરાયેલી સ્ટેમ્પ ડ્યુટી પેટે ₹68.89 કરોડની વસૂલાત કરવામાં આવી છે. આમ, તમામ 18 સબ-રજિસ્ટ્રાર કચેરીઓ મળીને કુલ ₹80,19,39,633 (એંસી કરોડ ઓગણીસ લાખથી વધુ) ની આવક સરકારી ચોપડે નોંધાઈ છે. રાજકોટના પશ્ચિમ વિસ્તાર અને નવા વિકસી રહેલા રિંગ રોડ આસપાસના વિસ્તારોમાં દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ વધતા આવકમાં આ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

મવડી: અહીં 1,304 દસ્તાવેજો નોંધાયા અને ₹7.70 કરોડની આવક થઈ.
રૈયા : 1,130 દસ્તાવેજો સાથે ₹7.24 કરોડની આવક નોંધાઈ.
ગોંડલ: ગ્રામ્ય વિસ્તારોમાં ગોંડલ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં 1,271 દસ્તાવેજોની નોંધણી સાથે ₹5.64 કરોડની આવક થઈ છે.
રતનપર: 966 દસ્તાવેજો નોંધાયા અને ₹6.86 કરોડની આવક પ્રાપ્ત થઈ.

Exit mobile version