નાગેશ્ર્વર પાસે ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સપ્લાયર ભરત ને શોધવા ત્રણ ટીમો દ્વારા તપાસ
શહેરના જામનગર રોડ પર થોડા દિવસો પૂર્વે થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની તપાસ દરમિયાન આ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી ગેરકાયદેસર બે પિસ્તોલ પણ કબજે કરવામાં આવી છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ હથિયારો કબજે લેવામાં આવ્યા છે.
હથિયાર સપ્લાયમાં પોપટપરાના કુખ્યાત શખ્સનું નામ ખુલ્યું છે. જેને પકડવા માટે એસઓજી, ક્રાઈમ બ્રાંચ અને એલસીબીની ટીમ તપાસ ચાલવી રહી છે. જામનગર રોડ પર શનિવારે સાંજે નાગેશ્વર જવાના રસ્તે આવેલા ’જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન’ પાસે આ ઘટના બની હતી. કુખ્યાત શખ્સ બલી ડાંગરના સાગરીત રહી ચૂકેલા રામદેવ ડાંગર પર દિવ્યરાજસિંહ સરવૈયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. નવાઈની વાત એ હતી કે આ ફાયરિંગ બાદ બંને પક્ષોએ અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા ગાંધીગ્રામ પોલીસે સરકાર તરફે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો હતો.
આ કેસની તપાસ જ્યારે એસ.ઓ.જી.ને સોંપવામાં આવી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં ખૂલ્યું કે રામદેવ ડાંગર પાસે એક નહીં પણ કુલ બે દેશી બનાવટની પિસ્તોલ હતી. ફાયરિંગની ઘટના વખતે એક પિસ્તોલ તેના હાથમાં હતી, જ્યારે બીજી પિસ્તોલ તેની ફોર્ચ્યુનર કારમાં છુપાવેલી હતી. પોલીસે આ હથિયારો છુપાવવામાં મદદ કરનાર રામદેવના બે મિત્રો કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા (ઉંમર 33, રહે. ઘંટેશ્વર પાર્ક) 2. અજયરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા (ઉંમર 32, રહે. પરાશર પાર્ક, માધાપર) ની ધરપકડ કરી હતી. અજયરાજસિંહે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે બંને પિસ્તોલ પરાશર પાર્ક-1 પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાં દાટી દીધી હતી. પોલીસે સ્થળ પર જઈને બે પિસ્તોલ અને સાત જીવતા કાર્ટિસ કબજે કર્યા છે.
આ બન્ને પિસ્તોલ મામલે વિશેષ પૂછપરછ દરમિયાન રામદેવ ડાંગરે કબૂલાત કરી હતી કે આ બંને પિસ્તોલ તેને નામચીન ભરત કુગશીયાએ આપી હતી.
હાલ પોલીસ ભરત કુગશીયાને ઝડપી લેવા માટે શોધખોળ હાથ ધરી રહી છે. અગાઉ પોલીસે દિવ્યરાજસિંહ પાસેથી તેનું લાયસન્સ વાળું હથિયાર અને ફૂટેલા કાર્ટિસ કબજે કર્યા હતા. હાલમાં કોર્ટે દિવ્યરાજસિંહ અને રામદેવના 13 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરત કુગશીયાની ધરપકડ બાદ તપાસમાં આગામી દિવસોમાં વધુ ગેરકાયદેસર હથિયારો મળી શકે છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોના નામ પણ બહાર આવી શકે છે. ભરતને પકડવા માટે એસઓજી, ક્રાઈમ બ્રાંચ અને એલસીબીની ટીમ તપાસ ચાલવી રહી છે.
