ખંભાળિયામાં રાજ્યસભાના ઉમેદવાર જીતેન્દ્રભાઈ કણજારીયાનું ભવ્ય સ્વાગત અને સન્માન

ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ દ્વારા રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા અને…

ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ દ્વારા રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. મેઘજીભાઈ કણજારીયાના પુત્ર જીતેન્દ્રભાઈ કણજારીયાના સ્વાગત અને સન્માનનો ભવ્ય કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અધ્યક્ષ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ દ્વારા યોજાયો હતો.

આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ખંભાળિયા વિધાનસભાના ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દ્વારકા વિધાનસભાના ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રાજુભાઈ ભરવાડ, પરબતભાઈ ભાદરકા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ચીમનભાઈ નકુમ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કશ્યમભાઈ આહીર, નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ કણજારીયા, ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ શક્તિસિંહ જાડેજા સહિત જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા અને મંડળ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જીતેન્દ્રભાઈ કણજારીયાનું ઉષ્માભર્યું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્યસભા ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત બાદ સમગ્ર જિલ્લામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યકરોએ મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી અને ભારત માતાના જયઘોષ સાથે આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને જીતેન્દ્રભાઈ કણજારીયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું.