રાજકોટનો લોકમેળો પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે બુધવારે ખુલ્લો મુકાશે

રાજકોટના પ્રસિદ્ધ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ’વિરાસત થી વિકાસ’ લોકમેળા 2026 ની તમામ તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપી…

રાજકોટના પ્રસિદ્ધ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ’વિરાસત થી વિકાસ’ લોકમેળા 2026 ની તમામ તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આગામી બુધવારે સાંજે 4:30 કલાકે જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે મેળાના ઉદ્ઘાટન માટે કોઈ મોટા વીઆઇપી મહેમાન ઉપલબ્ધ ન થતાં, અંતે પ્રભારી મંત્રીના હસ્તે જ ઉદ્ઘાટન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકમેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને આજે બપોર બાદ મેળાના ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિભાગો દ્વારા સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં કોઈ આકસ્મિક દુર્ઘટના ઘટે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા અને બચાવ કામગીરીની પૂર્વ તૈયારીઓ આ મોકડ્રીલ થકી ચકાસવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહને વધુ આકર્ષક બનાવવા વિશેષ આયોજન કરાયું છે. લોકમેળાના શુભારંભ પ્રસંગે સૈન્યના 18 જવાનોની ટીમ દ્વારા આર્મી બેન્ડ પર દેશભક્તિના ગીતોની સુરાવલીઓ પીરસવામાં આવશે. આ જવાનો દ્વારા વિવિધ 13 પ્રકારની મેલોડીઝ રજૂ કરીને માહોલને દેશભક્તિના રંગે રંગવામાં આવશે.

બીજી તરફ, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વે ચૌધરી હાઇસ્કુલ ખાતે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કાર્યક્રમમાં સાંજના સમયે હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. સંભવિત આગમનને પગલે તંત્ર દ્વારા કાર્યક્રમની તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે.