રાજકોટની એક્ટિવ એન્ટરપ્રાઇઝ પેઢીએ મોરબીના વેપારીને માર્યુ 81 લાખનું બુચ

જામનગર નજીક દરેડ જીઆઈડીસીમાં આવેલી શ્રીજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી માં પાંચ ટન કોપરનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં કરી રૂૂ.81.04 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની…

જામનગર નજીક દરેડ જીઆઈડીસીમાં આવેલી શ્રીજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી માં પાંચ ટન કોપરનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં કરી રૂૂ.81.04 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના ભક્તિનગર પાસે રહેતા અને વેપાર કરતા 21 વર્ષીય મીત દેવાભાઈ અવાડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રાજકોટની એક્ટીવ એન્ટરપ્રાઇઝ સાથે સંકળાયેલા ગોપાલભાઈ મનસુખભાઈ પટેલે ફરિયાદી સાથે વેપારીક સંબંધ કેળવી તેમને દરેડ જીઆઈડીસી ફેઝ-3માં શ્રીજી એન્ટરપ્રાઇઝ ચલાવતા પરેશભાઈ દેવશીભાઈ ગોહિલ સાથે સંપર્ક કરાવ્યો હતો.

ત્યારબાદ પરેશભાઈ સાથે વેપારીક સંબંધ કેળવાયા બાદ તેમની પેઢી સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. આ કરારના આધારે ફરિયાદી પાસેથી મિલબેરી પ્રકારનું પાંચ ટન એટલે કે પાંચ હજાર કિલો કોપર ખરીદવામાં આવ્યું હતું. એક કિલોના રૂૂ.1,371ના ભાવ પ્રમાણે જીએસટી સહિત માલની કુલ કિંમત રૂૂ.81,04,123 થતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

માલ ખરીદ્યા બાદ આરોપીઓએ પેમેન્ટ ચૂકવવાના વાયદા કર્યા હોવા છતાં રકમ ચૂકવી ન હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી વેપારીક સંબંધો કેળવી માલ મેળવ્યો અને બાદમાં માલને સગેવગે કરી ફરિયાદી સાથે વેપારીક વિશ્વાસઘાત કર્યો હતો.

આ મામલે ગોપાલભાઈ મનસુખભાઈ પટેલ, પરેશભાઈ દેવશીભાઈ ગોહિલ, દેવિસિંહ ખેમસિંગ ખરવડ, હાફીઝ, ભુપેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ મહીપતસિંહ સરવૈયા અને વિનોદકુમાર બાહેદીયા સામે ફરિયાદ નોંધાઈ છે. પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.