જસદણમાં 2 લાખના 6 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરનો ત્રાસ

જસદણના સોમલપર ગામના એક ખેડૂત વ્યાજખોરીના દુષણનો ભોગ બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇલેક્ટ્રિક બાઇકની એજન્સી શરૂૂ કરવા માટે 2 લાખ રૂૂપિયા વ્યાજે લેનાર ખેડૂતે…

જસદણના સોમલપર ગામના એક ખેડૂત વ્યાજખોરીના દુષણનો ભોગ બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇલેક્ટ્રિક બાઇકની એજન્સી શરૂૂ કરવા માટે 2 લાખ રૂૂપિયા વ્યાજે લેનાર ખેડૂતે મુદલ કરતાં ત્રણ ગણું એટલે કે રૂૂ. 6 લાખ વ્યાજ પેટે ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોરે ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જસદણ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, સોમલપર ગામે રહેતા અને ખેતીકામ કરતાં 38 વર્ષીય વિપુલભાઈ ભગવાનભાઈ શિયાળને વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં ઇલેક્ટ્રિક બાઇકની એજન્સીનો શો-રૂૂમ શરૂૂ કરવો હતો. તે સમયે નાણાંની જરૂૂરિયાત ઊભી થતાં તેમણે મિત્ર મારફતે જસદણના વિજયભાઈ ચકુભાઇ લીંબડીયાનો સંપર્ક કર્યો હતો. વિજય લીંબડીયાએ માસિક 5 ટકાના ઊંચા વ્યાજદરે 2 લાખ રૂૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. વ્યાજ પેટે શરૂૂઆતમાં જ 10,000 રૂૂપિયા એડવાન્સ કાપીને રૂૂ. 1,90,000 આપ્યા હતા. આ સાથે આરોપીએ વકીલ મારફતે પ્રોમિસરી નોટ લખાવી લીધી હતી અને સિક્યુરિટી પેટે ફરિયાદી પાસેથી એચડીએફસી અને એસબીઆઈ બેંકના સહિયારા 9 કોરા ચેક પડાવી લીધા હતા.

ફરિયાદી વિપુલભાઈ શિયાળ 2021થી જાન્યુઆરી 2026 સુધી સતત વ્યાજ ચુકવતા રહ્યા હતા. તેમણે બેંક ટ્રાન્સફર મારફતે રૂૂ. 5,16,050 અને રોકડા રૂૂ. 83,950 મળી કુલ 6,00,000 રૂૂપિયા વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા. આ ઉપરાંત અન્ય એક લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા તે પણ ગૂગલ પે મારફતે પરત ચૂકવી દીધા હતા.
આટલી મોટી રકમ મેળવી લીધા પછી પણ આરોપી વિજય લીંબડીયાનો લોભ સંતોષાયો નહોતો. તે દર મહિને વધુ 10,000 રૂૂપિયા વ્યાજ આપવા દબાણ કરતો હતો. જ્યારે વેપારી પાસે નાણાં આપવાની સગવડ ન રહી ત્યારે આરોપીએ તેમના ઘરે જઈ પરિવારજનોની હાજરીમાં વિપુલભાઈને મારી નાખવાની ધમકી આપી, મોતનો ભય બતાવી બળજબરીપૂર્વક રોકડા 10,000 રૂૂપિયા કઢાવી લીધા હતા.

આરોપી પાસે ફરિયાદીના સહી વાળા 9 કોરા ચેક પડેલા હોવાથી તે ચેક બાઉન્સ કરાવી ખોટા કેસમાં ફસાવી દેશે તેવા ડરથી ફરિયાદી અત્યાર સુધી પોલીસ ફરિયાદ કરતા અચકાતા હતા. પરંતુ આરોપીએ સુરક્ષા પેટે આપેલા ચેકમાં રૂૂ. 4,05,000ની માતબર રકમ ભરીને ચેક બાઉન્સ કરાવતા આખરે કંટાળીને ખેડૂતે પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ મામલે જસદણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિજયભાઈ ચકુભાઇ લીંબડીયા સામે ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ-2011ની કલમ 5, 33, 40 અને 42 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જસદણ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.પી. ગોસાઇના માર્ગદર્શન હેઠળ આગળની તપસા હાથ ધરવામાં આવી છે.