Site icon Gujarat Mirror

દ્વારકા દર્શન કરી પરત ફરતાં રાજકોટના યુવકનું રિક્ષા પલટી જતાં મોત; ભાઈને ઈજા

રાજકોટમાં આરટીઓ કચેરી પાછળ આવેલા નરશીનગરમાં રહેતો યુવાન મોટાભાઈ સાથે દ્વારકા દર્શન કરી રીક્ષા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ધ્રોલ નજીક રીક્ષા પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના મોટાભાઈને ઈજા પહોંચી હતી. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આરટીઓ કચેરી પાછળ આવેલા નરશીનગરમાં રહેતો હર્ષ રાજારામભાઈ દેવરીયા નામનો 21 વર્ષનો યુવાન પોતાના મોટાભાઈ મનીષભાઈ દેવરીયા સાથે રીક્ષા લઈને ધ્રોલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હર્ષ દેવરીયાએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષા પલટી મારી ગઈ હતી. રીક્ષા અકસ્માતમાં ઘવાયેલા મનીષ દેવરીયાને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે હર્ષ દેવરીયાને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક હર્ષ દેવરીયા બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને પોતાના મોટાભાઈ સાથે દ્વારકા દર્શન કરવા ગયો હતો અને જ્યાંથી પરત ફરતી વખતે રીક્ષા પલ્ટી જતાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version