રાજ્યસભામાં પણ રાજકોટ કપાયું, 4 બેઠકોમાં ભાજપે સર્જયું આશ્ર્ચર્ય

સરકાર અને સંગઠન બાદ રાજ્યસભામાંથી પણ કાંકરો નીકળી ગયો, 50 ટકા અનામતની વાતો વચ્ચે મહિલાને પણ ટિકિટ નહીં બહુ ચર્ચાયેલા ચહેરાઓના બદલે ‘રોન’ કાઢવાની પરંપરા…

સરકાર અને સંગઠન બાદ રાજ્યસભામાંથી પણ કાંકરો નીકળી ગયો, 50 ટકા અનામતની વાતો વચ્ચે મહિલાને પણ ટિકિટ નહીં

બહુ ચર્ચાયેલા ચહેરાઓના બદલે ‘રોન’ કાઢવાની પરંપરા યથાવત, અંજલીબેનને અન્યાય કે, ભવિષ્યમાં શિરપાંવ

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડનાર ચાર બેઠકો માટે ભાજપે ફરી અને વખત આશ્ર્ચર્ય સર્જેયુ છે અને જે નામો ગાજતા હતા તેના બદલે ચાર નવા જ ચહેરાઓના નામ જાહેર કર્યા છે. જો કે, આ જાહેરાતમાં વધુ એક વખત રાજકોટ કદ પ્રમાણે કપાયું છે. ભાજપ સરકાર અને સંગઠનમાંથી રાજકોટનો કાંકરો કાઢી નાખવામાં આવ્યા બાદ રાજ્યસભામાં કોઇ નેતાને ચાન્સ મળશે તેવી પ્રબળ આશા સ્થાનિક કાર્યકરોને હતી પરંતુ આ આશા વધુ એક વખત ઠગારી નિવડી છે. અત્યાર સુધી રાજ્યસભામાં રામભાઇ મોકરીયા રાજકોટનો અવાજ બનતા હતા. પરંતુ હવે રાજકોટવાસીઓનો રાજ્યસભામાં કોઇ અવાજ રહેશે નહીં.

રાજકોટમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીનું નામ જોરશોરથી ચર્ચામાં હતું અને કાર્યકરોને પણ મોટી આશા હતી કે, સ્વ.વિજયભાઇના પરિવારને ભાજપ દ્વારા સાચવી લેવામાં આવશે.
આ સિવાય રાજ્યસભામાં રમિલાબેન બારાની જગ્યાએ મહિલા ઉમેદવાર તરીકે અંજલીબેન રૂપાણી મજબૂત દાવેદાર મનાતા હતા પરંતુ ભાજપે તેમને ટિકિટ નીહં આપતા સ્થાનિક ટેકેદારો અને કાર્યકરોમાં નિરાશાની લાગણી જન્મી છે. જો કે, હવે ભવિષ્યમાં અંજલીબેનને શિરપાંવ મળશે કે, કેમ તે જોવાનું રહ્યું.
ભાજપે રાજ્યસભાના ચાર ઉમેદવારો જાહેર કર્યા તેમા એક પણ મહિલાને પણ ટિકિટ આપી નથી તેથી રાજકારણમાં મહિલાઓને 50 ટકા ભાગીદારીની વાતો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ આ વખતે સંગઠનમાં લાંબા સમયથી કાર્યરત અને વિવિધ સમાજના પ્રતિનિધિત્વ ધરાવતા ચહેરાઓને તક આપીને જાતિગત તેમજ પ્રાદેશિક સમીકરણોનું સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. ઉમેદવારોમાં રાજુ શુક્લા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશભાઈ રાઠવાનો સમાવેશ થાય છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચાર ઉમેદવારોમાં એક બ્રાહ્મણ, એક કારડિયા રાજપૂત, એક ઘઇઈ અને એક આદિવાસી ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકીય વિશ્ર્લેષકોના મતે, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે રાજ્યના વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપવાની સાથે સંગઠનના વફાદાર કાર્યકરોને પણ પુરસ્કૃત કરવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યસભાના ઉમેદવારોની આ પસંદગીમાં પ્રદેશ, સમાજ અને સંગઠનના અનુભવ વચ્ચે સંતુલન સાધવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળે છે.

રાજ્યસભાના ચારમાંથી ત્રણ ઉમેદવારોનું RSS કનેકશન
ગુજરાતની 11 રાજ્યસભા સીટમાંથી 4 સીટની 18 જૂને ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપે તમામ 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે રાજુભાઇ શુક્લા , મુકેશભાઇ રાઠવા , માનસિંહ પરમાર અને જિતેન્દ્રભાઈ મેઘજીભાઈ કંઝારિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ ચારેય ઉમેદવારમાં 3નું કનેક્શન છજજ સાથે જોડાયેલુ છે. જ્યારે એક પૂર્વ ધારાસભ્યના પુત્ર છે. તેમજ સૌરાષ્ટ્રના બે તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 1-1 ઉમેદવાર ઉતાર્યા છે. પસંદ કરવામાં આવેલા પૈકી મુકેશ રાઠવા 11 વર્ષ સુધી આરએસએસમાં અલગ અલગ જવાબદારી નિભાવી ચુકયા છે તો જીતેન્દ્ર કણઝારીયા સંઘના નગર કાર્યવાહક રહી ચુકયા છે. આવી જ રીતે માનસિંહ પરમાર સંઘના જ વિદ્યાર્થી શાખા એબીવીપીના પાયાના કાર્યકર રહી ચુકયા છે.

રાજુ શુક્લા: સંગઠનનો અનુભવી બ્રાહ્મણ ચહેરો
મહેસાણા જિલ્લાના રહેવાસી રાજુ શુક્લા ભાજપ અને આરએસએસ સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. તેઓ હાલમાં ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. અગાઉ કડી નગરપાલિકાના પ્રમુખ, ભાજપ કડી મંડળના ઉપપ્રમુખ અને મહેસાણા ભાજપના જિલ્લા મહામંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. વિદ્યા ભારતી અને આરએસએસમાં પણ સક્રિય ભૂમિકા ભજવી ચૂકેલા રાજુ શુક્લાને પાર્ટીના અનુભવી સંગઠનકાર તરીકે ઓળખવામાં આવે છે. બ્રાહ્મણ સમાજમાંથી આવતાં રાજુ શુક્લાને રાજ્યસભા માટે પસંદ કરીને ભાજપે ઉત્તર ગુજરાતના સમીકરણોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.

જીતેન્દ્ર કણઝારિયા: પૂર્વ ધારાસભ્યના પુત્ર અને OBC ચહેરો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયા પૂર્વ ધારાસભ્ય મેઘજી કણઝારિયાના પુત્ર છે. તેઓ દ્વારકા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઘઇઈ સમાજના સથવારા સમુદાયમાંથી આવતા જીતેન્દ્ર કણઝારિયા સંગઠન અને સ્થાનિક રાજકારણમાં સક્રિય રહ્યા છે. ભાજપે તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લઈને ઘઇઈ વર્ગને મહત્ત્વનો રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.

માનસિંહ પરમાર: કારડિયા રાજપૂત સમાજના યુવા નેતા
ગીર-સોમનાથ જિલ્લાના માનસિંહ પરમાર હાલ ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત છે. વિદ્યાર્થી પરિષદ (ABVP)થી પોતાની રાજકીય સફર શરૂૂ કરનાર માનસિંહ પરમાર છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ભાજપ સંગઠનમાં સક્રિય રહ્યા છે. ભાજપ યુવા મોરચાના વિવિધ હોદ્દાઓથી લઈને જિલ્લા સ્તરની જવાબદારીઓ સુધી તેમણે સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વર્ષ 2022માં તેઓ સોમનાથ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પણ રહ્યા હતા. કારડિયા રાજપૂત સમાજના પ્રતિનિધિ તરીકે તેમની પસંદગી સૌરાષ્ટ્રમાં ભાજપના સામાજિક સમીકરણોને વધુ મજબૂત બનાવતી માનવામાં આવે છે.

મુકેશ રાઠવા: આદિવાસી સમાજના યુવા પ્રતિનિધિ
છોટાઉદેપુર જિલ્લાના મુકેશભાઈ રાઠવા ભાજપના યુવા અને સક્રિય નેતા તરીકે ઓળખાય છે. તેઓ છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી તરીકે કાર્યરત છે અને અગાઉ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ તેમજ સુરત શહેર યુવા મોરચાના પ્રભારી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. રાઠવા સમાજમાંથી આવતા મુકેશભાઈ રાઠવાની પસંદગી દ્વારા ભાજપે આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે પણ આ પસંદગીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.