ઉપલેટાના ચીખલિયા ગામે રૂા.8.67 લાખના ગાંજા સાથે રાજકોટના પેડલરની ધરપકડ

  સૌરાષ્ટ્રમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક…

 

સૌરાષ્ટ્રમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક મોટી સફળતા સાંપડી છે. એસઓજીની ટીમે બાતમીના આધારે ઉપલેટા તાલુકાના ચિખલીયા ગામે આવેલા એક મકાનમાં દરોડો પાડી રૂૂ.8.67 લાખની કીમતના 17 કિલો અને 342 ગ્રામ ગાંજાના જથ્થા પેડલરની ધરપકડ કરી પુછપરછ કરતા આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે મુખ્ય સપ્લાયરોના નામ ખૂલતાં પોલીસે બન્નેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટ ગ્રામ્ય એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગી અને તેમની ટીમને માહિતી મળી હતી કે, ઉપલેટાના ચિખલીયા ગામે આવેલા એક રહેણાંક મકાનમાં નશીલા પદાર્થનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે અને ત્યાંથી તેની હેરાફેરી કરવાનું આયોજન થઈ રહ્યું છે. આ ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનની તલાશી લેતા પોલીસને ત્યાંથી પ્લાસ્ટિકના કોથળામાં ભરેલો રૂૂ.8.67 લાખની કીમતના 17 કિલો અને 342 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

ગાંજાના જથ્થા સાથે આરોપી રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તાર પાસે આવેલી નુરાનીપરા શેરી નં. 3માં રહેતા સિરાજ હનીફ વિસરની ધરપકડ કરી પુછપરછ કરતા મુખ્ય સપ્લાયરોના નામ ખૂલ્યા હતા.આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે આ ગાંજાનો જથ્થો તે પોતે એકલો લાવ્યો નહોતો, પરંતુ ભાયાવદરના નવાઝ અશરફ મધરા અને ઉપલેટાના વસીમ ઇકબાલ રફાઈ નામના બે શખ્સો પાસેથી મેળવ્યો હતો. આ બંને શખ્સો આ સમગ્ર નેટવર્કના મુખ્ય સપ્લાયર તરીકે સામે આવ્યા છે.

આ કબૂલાતના આધારે એસઓજી દ્વારા સપ્લાયર નવાઝ અશરફ મધરા અને વસીમ ઇકબાલ રફાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને આ બંને ફરાર સપ્લાયરોની ધરપકડ કરવા માટે તેમના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
એસ.ઓ.જી.શાખાના પી.આઈ એફ.એ.પારગી સાથે પીએસઆઈ જી.જે.ઝાલા, તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, વિપુલભાઇ ગુજરાતી, ફિરોજભાઇ બ્લોચ તથા પો.હેડ.કોન્સ. વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, વિપુલભાઈ ગોહિલ, કલ્પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઇ કોઠીવાર, રધુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, પુથ્વીરાજસિંહ ડોડીયા, નવદિપભાઇ બાબરીયા, રણજીતભાઇ ધાધલ તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડાએ કામગીરી કરી હતી.