ધ્રોલના મોડપર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રાવેલ્સ ચાલકે ઇકોને ઠોકર મારતાં 12 વર્ષિય બાળકીનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા. રાજકોટનો પરિવાર દર્શેને જતાં હોય ત્યારે અકસ્માત સર્જાયો હતો.આરએમસીમાં ફરજ બજાવતા નીરવ દવેએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી નીરવભાઇ નવનીતભાઇ દવે (ઉ.વ.40,રહે. લક્ષ્મીવાડી શેરી નં,6 પીનાકીન મકાન રાજકોટ) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે રાજકોટ આર.એમ.સી.માં ફરજ બજાવે છે. સંતાનમાં બે દીકરીઓ છે. જેમાં મોટી દીકરી હેત્વી (ઉ .12) અને નાની દીકરી રાશી પોણા ચાર વર્ષની છે.ગઈ કાલ સવારનાં 9:30 વાગ્યાની આસપાસ મારા પત્ની, મારી દીકરીઓ તથા મારા સાસુ સસરા અને સાળા, સાળીઓ રાજકોટથી માતાજીના દર્શન માટે ખોડા પીપર ખાતે એક પ્રાઇવેટ ઇકો ગાડીમાં જવા માટે નીકળેલ હતા.
બાદ સાડા નવેક વાગ્યાની આસપાસ મારા પત્નીનો મને ફોન આવેલ અને જણાવેલ કે અમે દર્શન જતા હતા ત્યારે અહીં મોડપર ગામના પાટીયા પાસે અમારી ઇકોમાં એક ટ્રાવેલ્સના ચાલકે પૂર ઝડપે અને બેફિકરેથી પોતાની ટ્રાવેલ્સ ચલાવી ઇકો ગાડીની પાછળ ભટકાડી અકસ્માત કરેલ છે. જેમાં આપણી દીકરી હેતવીને ગંભીર માથાના ભાગ ઇજા થયેલ છે. તેમજ અમને પણ ઈજા થયેલ છે. અમે 108 મારફત સારવાર અર્થે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે જવા નીકળી છીએ. તમે તાત્કાલિક પહોંચ્યો. બાદ તુરંત જ હું તથા મારા ભાઈ મનીષભાઇ સરકારી હોસ્પિટલ પડધરી ખાતે પહોંચ્યા ત્યારે મારી દીકરી હેતવીને સ્ટ્રેચર પર હતી. અને ત્યાં ફરજ પરના તબીબે મારી દિકરી હેતવીને મરણ જાહેર કરેલ હતી. તથા અન્ય બધાને સારવાર અર્થે રાજકોટ ખાતે રિફર કરેલ હતાં.ફરિયાદીએ ટ્રાવેલર્સ બસ રજી.નં. GJ-14-AT-0650 ના ચાલક સામે ધ્રોલ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. ધ્રોલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

