Site icon Gujarat Mirror

રાજકોટમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદની ઘટ

ગત વર્ષે 10 ઓગસ્ટ સુધીમાં 24 ઇંચ પડી ગયો હતો, આ વર્ષે 15.20 ઇંચ જ પડ્યો

અમદાવાદ, સુરત સહિત ઉતર-દક્ષિત ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં મેઘરાજાએ ધરવી દીધા છે તો બીજીબાજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માત્ર વરસાદી ડહોળ જ થાય છે. મેઘરાજા મનમુકીને વરસતા નથી. અપુરતા વરસાદે પાણીની ચિંતા વધારી છે ત્યારે બીજી તરફ રાજકોટમાં 10 ઓગસ્ટની 2025ની સાપેક્ષ હજી નવ ઇંચ વરસાદની ઘટ છે. ચોમાસાના પાછોતરા દિવસોમાં મેઘરાજા રાજકોટના પીવાના પાણીની ચિંતા દૂર કરી નાંખતી અસીમ કૃપા વરસાવે તેવી પ્રાર્થના શહેરીજનો કરી રહ્યા છે.

રાજકોટમાં છેલ્લા બે વર્ષથી વરસાદનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. આ વર્ષે ચોમાસાની ધોરીનસ સમા અષાઢ માસ પુરો થવા આવ્યો છે. અડધો ઓગસ્ટ માસ પુરો થવા આવ્યો હોવા છતાં પણ રાજકોટમાં મોસમનો કુલ વરસાદ 15.33 ઇંચ જ નોધાયો છે. રાજકોટને પાણી પુરૂૂં પાડતા આજી અને ન્યારી ડેમમાં એક મહિનો ચાલે તેટલો જ પાણી બચ્યું છે. આવા સંજોગોમાં જો હવે મેઘકૃપા ન થાય તો રાજકોટને આખું વર્ષ નર્મદાનીર પર આધાર રાખવો પડે તેમ છે.

દરમિયાન રાજકોટ મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાંથી મળેલા આંકડા મુજબ રાજકોટમાં 2025માં 10 ઓગસ્ટ સુધીમાં 23.81 ઇંચ વરસાદ થયો હતો. આમાં સેન્ટ્રલ ઝોનમાં 9.29 ઇંચ, ઇસ્ટઝોનમાં 7.32 ઇંચ અને વેસ્ટઝોનમાં 8 ઇંચ સહિત કુલ 23.81 ઇંચ વરસાદ 10 ઓગસ્ટ સુધીમાં જ નોંધાઇ ગયો હતો. તેની સામે આ વર્ષે 2026માં 10 ઓગસ્ટ સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 9.80 ઇંચ, ઇસ્ટઝોનમાં 9.62 ઇંચ અને વેસ્ટ ઝોનમાં 15.33 ઇંચ વરસાદ થયો છે. આ મુજબ જૂલાઇ -2025ની સામે જૂલાઇ -2026માં હજી 8.48 ઇંચ વરસાદની ઘટ નોંધાઇ છે.

ગત વર્ષની જેમ પાછોતરો સારો વરસાદ પડે તેવી આશા
હજુ ચોમાસુ પુરુ થવાનો સતાવાર સમય બાકી છે. પાછલા કેટલાક વર્ષોની જેમ ચોમાસાનું સમયચક્ર મોડુ ચાલતુ હોય તેમ આ વર્ષે પાછોતરા વરસાદમાં રાજકોટની પીવાના પાણીની ચિંતા મેઘરાજા હળવી કરી નાંખે તેવી વિનવણી શહેરીજનો મેઘરાજાને કરી રહ્યા છે. ગત વર્ષે પાછોતરા વરસાદમાં સળંગ ત્રણ દિવસ સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. આ વર્ષે પણ આવી અસીમ કૃપા વરસાવે તેવી આશા અમર છે.

Exit mobile version