રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયાના એક મહિના બાદ હવે વહીવટી પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. આગામી 9મી તારીખના રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયતની તમામ અગત્યની સમિતિઓની વિધિવત રચના કરવામાં આવશે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પહેલેથી જ થઈ ચૂકી છે, પરંતુ વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની વરણી હજુ સુધી બાકી હતી. વહીવટી કામગીરીને સુચારુ રૂૂપ આપવા માટે આગામી 9 તારીખે બોલાવવામાં આવેલી આ સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 8 જેટલી સમિતિઓની રચના કરવામાં આવશે.
જિલ્લા પંચાયતની મહત્વની સમિતિઓમાં (જેમ કે કારોબારી, બાંધકામ, આરોગ્ય વગેરે) સ્થાન મેળવવા માટે ચૂંટાયેલા સભ્યો દ્વારા અત્યારથી જ પડદા પાછળની ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિઓમાં ચેરમેનપદ કે સભ્યપદ મેળવવા માટે સભ્યોએ ભાજપના ઉચ્ચ નેતાઓ અને સંગઠનના આગેવાનોનો સંપર્ક સાધીને ધમધોકાર લોબિંગ શરૂૂ કરી દીધું છે. પદ મેળવવા માટે ચૂંટાયેલા નેતાઓ પોતાના ક્ષેત્ર (વિસ્તાર) અને જ્ઞાતિ આધારિત સમીકરણોને આગળ ધરીને દાવેદારી નોંધાવી રહ્યા છે.
