રાજસ્થાન હોટ ફેવરિટ, ગુજરાત ટાઇટન્સ પર ભારે દબાણ

વૈભવની ધુરંધર બેટિંગની આશાએ સટ્ટાબજારમાં રાજસ્થાનના ભાવ તળિયે, ચંદીગઢની પીચ પર રનોનું રમખાણ સર્જાશે આઈપીએલ 2026ની પ્લેઓફની મહત્વની મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ…

વૈભવની ધુરંધર બેટિંગની આશાએ સટ્ટાબજારમાં રાજસ્થાનના ભાવ તળિયે, ચંદીગઢની પીચ પર રનોનું રમખાણ સર્જાશે

આઈપીએલ 2026ની પ્લેઓફની મહત્વની મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. સટ્ટા બજારમાં રાજસ્થાનને હોટ ફેવરિટ ગણવામાં આવી રહ્યું છે. રાજસ્થાનનો ભાવ 80-85 પૈસા સુધી પહોંચી ગયો છે.

રાજસ્થાન માટે યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીનું ફોર્મ સૌથી મોટું હથિયાર છે. છેલ્લી મેચોમાં તેણે આક્રમક અને ધમાકેદાર બેટિંગનો નમૂનો રજૂ કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે “જે ટીમની ઓપનિંગ જોડી સારી ચાલશે, તે જ ટીમ મેચને ચાવી જશે.”

ચંદીગઢની પીચ બેટ્સમેન-ફ્રેન્ડલી છે. આ મેચમાં રનોનો ઢગલો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ટૂંકી બાઉન્ડ્રી અને સપાટ પીચને કારણે બંને ટીમો મોટા સ્કોરની અપેક્ષા રાખી રહી છે.

આ મેચનું વિશેષ મહત્વ એ છે કે જે ટીમ આજે જીતશે તે અમદાવાદમાં આરસીબી સામે આઈપીએલની ફાઇનલમાં સીધી ટકરાશે. આ મેચ વિજેતા ટીમ માટે ફાઇનલનો ટિકિટ બની જશે. આરસીબી પહેલેથી જ ફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂકી છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાવાની છે. રાજસ્થાન રોયલ્સ હાલમાં સારા મૂડમાં છે અને પ્લેઓફમાં મજબૂત સ્થાન ધરાવે છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સને છેલ્લી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, તેથી આ મેચ તેમના માટે ડુ-ઓર-ડાઇ જેવી સાબિત થઈ શકે છે.

રાજસ્થાનના મુખ્ય આધાર : વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, જોફ્રા આર્ચર
ગુજરાત ટાઇટન્સના મુખ્ય ખેલાડીઓ : શુભમન ગિલ, સાંઈ સુદર્શન જોસ બટલર, રાશિદ ખાન, મોહમદ સિરાજ ક્રિકેટ પ્રેમીઓ માટે આજની મેચ અત્યંત રોમાંચક બનવાની છે. રાજસ્થાન ફેવરિટ હોવા છતાં, આઈપીએલમાં કંઈ પણ બની શકે છે. જો ગુજરાત ટાઇટન્સ પોતાની ઓપનિંગ જોડીને સ્થિરતા અને આક્રમકતા બતાવી શકે તો મેચનું સમીકરણ બદલાઈ શકે છે.

વૈભવ સૂર્યવંશીના તોફાનને રોકવા માસ્ટરપ્લાન તૈયાર!
રાજસ્થાન રોયલ્સનો યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી હાલમાં પ્રચંડ ફોર્મમાં છે. તેણે હમણાં જ એલિમિનેટરમાં SRH સામે માત્ર 29 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને સનસનાટી મચાવી દીધી હતી અને હાલમાં તે ઓરેન્જ કેપ હોલ્ડર છે. જો કે સૂર્યવંશીને રોકવાની સ્ટ્રેટેજી અંગે પૂછતા કોચ પાર્થિવ પટેલે મજાકિયા અંદાજમાં કહ્યું કે, હું અત્યારે બ્રોડકાસ્ટર નથી, એટલે લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં અમારો પ્લાન લીક નહીં કરું! પણ હા, અમે તેના વીડિયો જોયા છે અને મેદાન પર અમારો પ્લાન ચોક્કસથી એક્ઝિક્યુટ કરીશું. પાર્થિવે વધુમાં ઉમેર્યું કે સૂર્યવંશી એક અદભુત ટેલેન્ટ છે અને હવે તેની ઉંમર અંગે ચર્ચા કરવાનો અંત આવવો જોઈએ. ગુજરાતના સ્ટાર બેટર સાઈ સુદર્શન (જે ઓરેન્જ કેપની રેસમાં બીજા નંબરે છે) અંગે પણ પાર્થિવે મોટો ખુલાસો કર્યો. મેચના એક દિવસ પહેલા સુદર્શને નેટ્સમાં પરંપરાગત બેટિંગ કરવાને બદલે મેદાન પર શેડો બેટિંગ (બેટ વગર શોટ્સ અને ફોર્મ પરફેક્ટ કરવાની રીત) કરી હતી. સુદર્શનના 157.86 ના સ્ટ્રાઈક રેટ સામે સૂર્યવંશીના 242.85 ની સરખામણી અંગે થઈ રહેલી ચર્ચા પર પાર્થિવે કહ્યું કે, અમે સાઈ પર સ્ટ્રાઈક રેટ વધારવાનું કોઈ દબાણ નથી લાવતા. તે ટીમ માટે અત્યંત અસરકારક રહ્યો છે અને સારા રેટથી રન બનાવી રહ્યો છે. જો કોઈ 300 ના સ્ટ્રાઈક રેટથી રમે છે, તો તેનો મતલબ એ નથી કે ટીમના દરેક જણે 300 થી જ રમવું પડે.”

મિડલ ઓવર્સના કિંગ: રાશિદ ખાન અને જેસન હોલ્ડર
ગુજરાત ટાઇટન્સ આ સીઝનમાં મિડલ ઓવર્સમાં સૌથી ઘાતક બોલિંગ યુનિટ સાબિત થયું છે, જેણે 24.67 ની શાનદાર એવરેજથી સૌથી વધુ 49 વિકેટો ઝડપી છે. આ સફળતા પાછળ બે મુખ્ય પિલર છે. ગયા વર્ષે ઈજાના કારણે રાશિદ સંઘર્ષ કરી રહ્યો હતો (માત્ર 9 વિકેટ), પરંતુ આ સીઝનમાં તેણે જોરદાર વાપસી કરીને 23.47 ની એવરેજથી 19 વિકેટ ઝડપી છે. ઓક્શન પહેલા જ હોલ્ડરને ટીમમાં લેવાનો પ્લાન હતો. તેણે પાવરપ્લે અને મિડલ ઓવર્સ બંનેમાં વિકેટો (આ સીઝનમાં 15 વિકેટ) લઈને ટીમને શાનદાર બેલેન્સ પૂરું પાડ્યું છે. બોલથી કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ પણ શાનદાર સાથ આપી રહ્યા છે.