મોટી પાનેલી, સાવરકુંડલા-1॥, જામકંડોરણા, વાંકાનેર, જામજોધપુર, મેંદરડામાં ભારે પવન સાથે 1।થી 0॥ ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં વરસાદી માહૌલ આજે પણ જારી રહ્યો હતો અને સાંજ સુધીમાં 15 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં દોઢ ઈંચ, વાંકાનેર તાલુકામાં આજે સાંજે સવા ઈંચ અને જામકંડોરણા તાલુકામાં એક ઈચ ધોધમાર વરસાદથી કમોસમી ચોમાસુ જારી રહ્યું હતું. આવતીકાલ માટે પણ વરસાદનું એલર્ટ જારી થયું છે જ્યારે બુધવારથી એકંદરે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે વરસાદ સાથે એકંદરે વરસાદનું જોર ઘટવા અને ગુરુવારથી એકંદરે સુકા હવામાનની આગાહી થઈ છે.
આજે સાંજના સમયે લગભગ સમગ્ર વાંકાનેર પંથકમાં પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો જે જોતજોતામાં જ પવનની ગતિ ખૂબ વધી ગઈ અને વરસાદ પણ વધતા ઓછા પ્રમાણમાં સમગ્ર પંથકમાં એકથી દોઢ ઇંચ પડિયાના વાવડ મળી રહ્યા છે. વરસાદ પવન સાથે આવતા જ વીજળી ગુલ થઈ ગઈ હતી, તાલુકાના ઘણા બધા ગામડાઓમાં મોલે સુધી વીજળી આવી નહોતી, જેમાં ખાસ કરીને વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની બાજુમાં ગામની પહેલા ઈલેક્ટ્રીક થાંભલો રોડ પર પડી જતા રસ્તો બંધ થઈ ગયો હતો તેમને ત્યાંથી હટાવી રસ્તો ચાલુ કર્યો હતો. વાંકાનેર: તાલુકાના વાલાસણ- પીપળીયારાજ વચ્ચે ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવાના કારણે આ બે ગામ વચ્ચે એક વીજ પોલ ધરાશાયી થઈને રોડ વચ્ચે પડતા રોડ બંધ થઈ ગયો હતો, જેના કારણે મીતાણા વાંકાનેર વચ્ચેની અવર જવર અટકી ગઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન અવિરત રીતે કમોસમી વરસાદના ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં એક જ દિવસમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસી જતા ચોમાસા જેવા માહોલનું નિર્માણ થયું હતું. જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ દ્વારા કમોસમી વરસાદના જારી કરવામાં આવેલા આંકડામાં કલ્યાણપુર તાલુકામાં સાડા 4 ઈંચ (112 મી.મી.), ભાણવડ તાલુકામાં 4 ઈંચ (99 મી.મી.) તેમજ ખંભાળિયા તાલુકામાં 3 ઈંચ (74 મી.મી.) પાણી પડી ગયું હતું.
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથકમાં માવઠાએ સતત કહેર મચાવ્યો છે અઠવાડિયામાં આજે ચોથી વાર માવઠા રૂૂપી વરસાદ જોરદાર પવન સાથે ખાબક્યો હતો અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે બપોરે ચાર વાગ્યાં બાદ અચાનક જોરદાર પવન સાથે વરસાદ આવી ચડતા સતત એક કલાક સુધી વરસ્યો હતો જે દોઢ ઇંચ જેટલો વરસી જતા રોડ રસ્તા પાણી પાણી થઇ ગયા હતા.

