અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 2.77 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ-વેજલપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી, પાલડી, આશ્રમરોડ, વિજય ચાર રસ્તા, લાંભા, કાલુપુર, બાકરોલ-સરખેજ અને મક્તમપુરામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.
ચાંદલોડિયા, મેમનગર દુધેશ્વર, શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, મોટેરા, સાબરમતી, ન્યુ રાણીપ, જોધપુર, બોપલ ઘુમા, સેટેલાઈટ, નેહરુનગર, બોડકદેવ, જમાલપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા, જશોદાનગર સીટીએમ સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.
ચાંદખેડા, સાયન્સ સીટી, વિરાટનગર, મણીનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, ગોમતીપુર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રિંગ રોડ, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે બાકીના વિસ્તારોમાં બેથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.
મેઘરાજાની તોફાની ઇનિંગે અમદાવાદને બાનમાં લીધુ છે. પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતી જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂૂપિયાનો ગટર અને વરસાદી પાણીની લાઈનની સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. સવારે ભારે વરસાદ પડતા જ નોકરી-ધંધે જનારા નાગરિકોને હાલાકી પડી રહી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ રમેશે જણાવ્યું હતું કે શહેરમાં આજે એક કલાકમાં ચાર ઇંચ વરસાદ કેટલાક વિસ્તારોમાં પડ્યો છે અને ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. પાણી ભરાવવાના પગલે તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં મુખ્ય 18 જંકશનનો પર વધુ પાણી ભરાય છે જેમાં હજી સુધી ચાર કલાક બાદ પણ 10 જગ્યાએ નિકાલ કરવાની કામગીરી બાકી છે.
સાહેબની વર્ષગાંઠે સાબરમતી છલોછલ દેખાડવામાં અમદાવાદ ડૂબાડ્યું : કોંગ્રેસ
અમદાવાદમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ પર કોંગ્રેસે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે, વાસણા બેરેજમાં 136.50 ફૂટ સુધી પાણી ભરાયું હતું. ’સાહેબની વર્ષગાંઠ’ નિમિત્તે સાબરમતી બે કાંઠે છલોછલ દેખાય તે માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડી જળસ્તર વધારાયું. કોંગ્રેસે આ ઘટનાને ’માનવસર્જિત આફત’ ગણાવી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. કોંગ્રેસના આક્ષેપ મુજબ, ભારે વરસાદની આગાહી હોવા છતાં સાબરમતી નદીનું જળસ્તર ઘટાડવાને બદલે વાસણા બેરેજમાં પાણીનું લેવલ 136.50 ફૂટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા મુજબ, એક તરફ ભારે વરસાદ દરમિયાન સાબરમતીનું લેવલ 129 ફૂટથી વધુ ન વધારવાની વાત કરવામાં આવે છે, તો બીજી તરફ આટલું ઊંચું લેવલ કેમ જાળવવામાં આવ્યું
તે અંગે તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, રાજ્યમાં એક તરફ પાણીની અછતની સ્થિતિ છે, ત્યારે નર્મદા કેનાલમાંથી સાબરમતી નદીમાં પાણી છોડીને નદીનું જળસ્તર વધારવામાં આવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, ‘સાહેબની વર્ષગાંઠ’ નિમિત્તે સાબરમતી નદી બે કાંઠે છલોછલ દેખાય તે માટે પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા હવે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, ભારે વરસાદની આગાહી હોવા છતાં વાસણા બેરેજનું લેવલ 136.50 ફૂટ સુધી કેમ જાળવવામાં આવ્યું, નર્મદા કેનાલમાંથી સાબરમતીમાં કેટલું પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડવા અંગે નિર્ણય કયા સ્તરે લેવામાં આવ્યો? આ મુદ્દે રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત જળસંપત્તિ વિભાગ તરફથી સત્તાવાર સ્પષ્ટતા શું આવે છે તેના પર સૌની નજર છે.
સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ
સરખેજ અર્બન હેલ્થ: 5.24 ઇંચ
બકરોલ: 4.41 ઇંચ
મક્તમપુરા: 4.25 ઇંચ
સરખેજ: 3.92 ઇંચ
કાલુપુર: 3.80 ઇંચ
ટાગોર કંટ્રોલ: 3.72 ઇંચ
લાંભા: 3.66 ઇંચ
મેમનગર: 3.52 ઇંચ
ચાંદલોડિયા: 3.33 ઇંચ
દૂધેશ્વર: 3.25 ઇંચ
