ગુજરાતમાં મેઘમહેર! 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા પાંચ ઈંસ સુધીનો વરસાદ વરસ્યો છે. નવ તાલુકામાં 3 ઇંચથી…

ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા પાંચ ઈંસ સુધીનો વરસાદ વરસ્યો છે. નવ તાલુકામાં 3 ઇંચથી વધુ, 17 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.45 ઇંચ વરસાદ નોંધાયો છે.

આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ રહી છે. સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલના ગોધરામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.વડોદરામાં ધોધમાર વરસાદના કારણે રાવપુરા, મચ્છીપીઠ અને પાણીગેટ સહિતના વિસ્તારોમાં રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે.

અમદાવાદમાં પણ અંધારપટ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે તાલાલા ગીરમાં ભારે વરસાદથી સૂકાતા પાકને જીવનદાન મળતાં ખેડૂતોમાં હાશકારો જોવા મળ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર તેજ બની છે. 14 સપ્ટેમ્બરે એટલે કે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, કચ્છ, રાજકોટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

15 સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. જોકે દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદનું જોર યથાવત રહેતાં યલો એલર્ટ ચાલુ રહેશે.

હવામાન વિભાગના નિયામક એ. કે. દાસના જણાવ્યા અનુસાર દરિયાકાંઠે 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. જેને પગલે 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.એક તરફ ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણીનો માહોલ છે, તો બીજી તરફ રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.