જામનગરમાં ખાણી-પીણીના 41 ધંધાર્થીઓને ત્યાં દરોડા

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં હેલ્ધી અને હાઇજિનિક ખોરાક સુનિશ્ચિત કરવા માટે ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી…

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં હેલ્ધી અને હાઇજિનિક ખોરાક સુનિશ્ચિત કરવા માટે ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફાસ્ટ ફૂડની રેકડીઓમાં વપરાતા ખાદ્ય તેલ, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ તેમજ હોટલ-રેસ્ટોરન્ટમાં વાસી ખાદ્ય સામગ્રી અંગે તપાસ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે બેડેશ્વર, રણજીતનગર, કાલાવડ નાકા બહાર, પાંચ હાટડી, ઢીંચડા રોડ, ખોડીયાર કોલોની, પટેલ પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો, નોનવેજ શોપ, ફૂડ રેકડીઓ અને આઈસ ફેક્ટરીઓ સહિત કુલ 41 પેઢીઓની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન 68 કિલો વાસી ખાદ્ય સામગ્રી અનહાઇજેનિક સ્થિતિમાં મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને 6 કિલો પ્રિન્ટેડ પસ્તીનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આઈસ ફેક્ટરીઓની તપાસ દરમિયાન સંચાલકોને હાઇજિનિક સ્થિતિ જાળવવા, નિયમિત સફાઈ રાખવા તેમજ પાણીમાં નિયમિત ક્લોરીનેશન કરવાની સૂચના આપવામાં આવી હતી.
એક પેઢી સામે મળેલી ફરિયાદના આધારે ફૂડ વિભાગે રૂૂબરૂૂ તપાસ હાથ ધરી હતી. દરમિયાન ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ (870 ગ્રામ પાઉચ)નું સેમ્પલ લઈ તેને પરીક્ષણ માટે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી, વડોદરા મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.

ઓનલાઈન, ઓફલાઈન, રૂૂબરૂૂ તેમજ ટેલિફોનિક રીતે મળતી ખાદ્યસુરક્ષા સંબંધિત ફરિયાદોનો પણ ફૂડ વિભાગ દ્વારા નિયમિત નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે.

અષાઢી બીજને અનુલક્ષીને મીઠાઈના નમૂના લેવાયા
અષાઢી બીજના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં વેચાતી મીઠાઈની ગુણવત્તા ચકાસવા માટે ત્રણ અલગ-અલગ પેઢીઓમાંથી મીઠાઈના કુલ ત્રણ નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત લેવામાં આવેલા તમામ નમૂનાઓનું લેબોરેટરી પરીક્ષણ કરીને ગુણવત્તા અંગેનો અહેવાલ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.