વસ્તુ રાજસ્થાન બનતી અને અમદાવાદમાં આર્થિક રીતે નબળા વિસ્તારોની દુકાનોમાં માલ વેચતા હતા
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીને ઝડપી લીધા, 20 લાખનો મુદ્દામાલ જપ્ત
નામાંકિત કંપનીઓના નામનો દુરુપયોગ કરી અમદાવાદ શહેરમાં ડુપ્લીકેટ વસ્તુ વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરના ત્રણ ગોડાઉન પર દરોડો પાડી માર્લબોરો, વાઘબકરી, પીડીલાઈટ, અમૂલ, સાગર,એરિયલ જેવી કંપનીઓના નામે વેચાતી ડુપ્લીકેટ ચીજવસ્તુઓ ઝડપી પાડી છે.
ડુપ્લીકેટ સિગરેટની બાતમીના આધારે પોલીસ જ્યારે ગોડાઉન પર પહોંચી તો દૃશ્યો જોઈ ચોંકી ઉઠી હતી. કારણ કે, ગોડાઉનમાં તો સિગરેટની સાથે ઘી, બીડી, ફેવીક્વિક, મસાલા, પાનમસાલા, ચાની ભૂકી સહિતનો ડુપ્લીકેટ જથ્થો મળી આવ્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી રૂૂપિયા 20 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ તમામ માલ રાજસ્થાનમાં બનતો અને ત્યાંથી અમદાવાદ લાવી વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અઈઙ ભરત પટેલે જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, બજારમાં કેન્સરની ચેતવણી વિનાની ડુપ્લીકેટ સિગરેટ વેચાઈ રહી છે. આ માહિતીના આધારે ગોલ્ડફ્લેક અને માલબરો કંપનીના ડીલરને બોલાવી ખરાઈ કરી અને પછી એક ડિકોય ગોઠવીને ચાંદલોડિયાથી અરુણકુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા નામના બે ભાઈઓને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 3.25 લાખની નકલી સિગરેટ મળી આવી. તેમની પૂછપરછમાં સુજીત પોદારનું નામ ખૂલતાં અમે રેલવે ઓવરબ્રિજ વિસ્તારમાં આવેલા તેના બે ગોડાઉનમાં રેડ કરી હતી.
ગોડાઉનમાંથી સિગારેટ ઉપરાંત રોજીંદી વપરાશની નકલી ચીજવસ્તુઓ જેવી કે વાઘ બકરી ચા, અમૂલ અને સાગર ઘી, સર્ફ એક્સેલ, હારપીક અને એવરેસ્ટના મસાલા સહિત અંદાજે 12.50 લાખનો બનાવટી મુદ્દામાલ મળ્યો હતો.
સુજીત છેલ્લા દોઢ વર્ષથી શબ્બીર, પવન સિંધી અને જગદીશ પટેલ નામના શખ્સો પાસેથી વધુ નફાની લાલચમાં આ નકલી માલ લાવતો હતો અને બે ભાઈઓ ગ્રાહકોની ડિમાન્ડ મુજબ ડિલિવરી પહોંચાડવાનું કામ કરતા હતા.
