મોરબીમાં કચ્છ બોર્ડર રેન્જે દરોડો; કોંગી નેતા સહિત 4 ગેમ્બલર ઝડપાયા, બે પોલીસકર્મીની બદલી

કચ્છ બોર્ડર રેન્જની ક્રાઇમ-2 ટીમે ખાનગી બાતમીના આધારે મોરબીના ઘુંટુ રોડ પર આવેલી રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી…

કચ્છ બોર્ડર રેન્જની ક્રાઇમ-2 ટીમે ખાનગી બાતમીના આધારે મોરબીના ઘુંટુ રોડ પર આવેલી રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે રોકડ, મોબાઇલ, વાહનો સહિત કુલ રૂૂ.5.24 લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ આ દરોડા બાદ બે પોલીસ કર્મીની રાતોરાત બદલી કરી નાખવામાં આવી હતી.

કચ્છ બોર્ડર રેન્જ ભુજની ક્રાઇમ-2 ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી-હળવદ રોડ નજીક ઘુંટુ ગામની સીમમાં આવેલી રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ઓફિસની અંદર પૈસાની હારજીત સાથે ગંજીપાનાના પત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા 1) જગદીશભાઈ ભગવાનજીભાઈ અધારા ઉવ.61 રહે. રિલાયન્સનગર રવાપર રોડ મોરબી, 2) શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારીયા ઉવ.49 રહે. રફાળેશ્વર ગામ મંદિરની બાજુમાં મોરબી મૂળ વતન નાની વાવડી તા.જી.મોરબી, 3) યોગેશભાઈ લખમણભાઈ પટેલ ઉવ.32 રહે. મિલાપનગર અવની ચોકડી મોરબી અને 4) કોંગ્રેસ અગ્રણી જયેશભાઈ શાંતીલાલભાઈ કાલરિયા ઉવ.48 રહે. મકાન નં.105 મિલાપનગર અવની ચોકડી મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

આ સાથે પોલીસે સ્થળ પરથી રોકડા રૂૂ.1,85,300/-, ચાર નંગ મોબાઇલ ફોન કિ.રૂૂ.14,000/-, એક બ્રેઝા કાર રજી.નં. જીજે-36-એપી-9605, એક એક્ટિવા રજી.નં. જીજે-03-એચપી-9781 કિ.રૂૂ.25,000/-સહિત કુલ રૂૂ.5,24,300/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ ચારેય આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી કચ્છ રેન્જ ક્રાઇમ-2ની ટીમે વધુ તપાસ ચલાવી છે.

આ જુગારના દરોડા બાદ ટંકારા પોલીસ મથકના ડિ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલાની ભુજ ખાતે બદલી કરી દેવામાં આવી છે. હાઇપ્રોફાઇલ જુગાર પકડાયા બાદ આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ચકચાર જાગી છે.