રાજુલા-મહુવા રોડ પરના રેલવે ફાટક વારંવાર બંધ રહેતા જનજીવન પ્રભાવિત

રાજુલાથી આશરે 2 કિલોમીટર દૂર મહુવા રોડ પર આવેલ રેલવે ફાટકને કારણે છેલ્લા ઘણા સમયથી રાજુલાના નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ફાટક પરથી…

રાજુલાથી આશરે 2 કિલોમીટર દૂર મહુવા રોડ પર આવેલ રેલવે ફાટકને કારણે છેલ્લા ઘણા સમયથી રાજુલાના નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ ફાટક પરથી દિવસ દરમિયાન પીપાવાવ પોર્ટ તરફ જતી 20 થી 25 ભારવાહક/માલગાડીઓ પસાર થાય છે. આ ટ્રેનો 100થી વધુ ડબ્બાની અને અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી દરેક વખતે ફાટક ઓછામાં ઓછા 10 મિનિટ સુધી બંધ રહે છે.

આ રોડ પર દેવકા વિદ્યાપીઠ, નોબલ સ્કૂલ, સરકારી આઈ.ટી.આઈ. સહિત અનેક શાળાઓ અને હોસ્પિટલો આવેલી છે. પરિણામે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને એમ્બ્યુલન્સને પણ કલાકો સુધી રાહ જોવી પડે છે.

ઈમરજન્સીના સમયે પણ 10 મિનિટ ફરજિયાત ઉભા રહેવું પડતું હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાય છે.
અગાઉ આ માર્ગ પર દિવસમાં 10-15 ટ્રેનો જ પસાર થતી હતી. પીપાવાવ પોર્ટનો વિકાસ વધતા હવે ટ્રેનોની સંખ્યા વધીને 25 સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ રાજુલા શહેર સુધીની પેસેન્જર ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી છે. એટલે સુવિધા એક પણ નહીં અને હેરાનગતિ બમણી.

વિકટર-ભાવનગર-મહુવા નેશનલ હાઈવે પર તો તાત્કાલિક અંડરપાસ બનાવી દેવાયો, પરંતુ રાજુલા-મહુવા શોર્ટકટ રોડ પર હજુ સુધી રેલવે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા નથી. જ્યારે રેલવે તંત્રને પીપાવના માલવાહનમાંથી કરોડોની આવક થાય છે.

રાજુલાના નાગરિકો, વાલીઓ, ખેડૂતો અને સામાજિક સંગઠનોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ફાટકના સ્થાને અંડરપાસ/રેલવે ઉપરપુલ બનાવવામાં આવે જેથી હજારો લોકોને રોજની હાલાકીમાંથી મુક્તિ મળે.

જો ટૂંક સમયમાં આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો રાજુલાના લોકો સ્વયંભૂ આંદોલન કરવા મજબૂર બનશે તેની તમામ જવાબદારી રેલવે તંત્રની રહેશે. ભાવનગર ડીએમઓ ભરતભાઈ સુતરીયા સાંસદ જિલ્લા કલેકટર કેન્દ્રીય મંત્રી રેલવે આ અંગે ઘટતું કરાવે તો રાજુલા અને મહુવા વચ્ચે જતા મુસાફરોને ફાયદો થાય હેરાનગતિ ભોગવી પડે નહીં