‘મોંઘવારીની જેલ’માં જનતા કેદ, NEET પેપર લીકનો રથ કાઢતી કોંગ્રેસ

  સમગ્ર દેશ આજે બે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ બેકાબૂ મોંઘવારીના કારણે સામાન્ય જનતાનું જીવન દુષ્કર બન્યું છે તો બીજી તરફ…

 

સમગ્ર દેશ આજે બે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ બેકાબૂ મોંઘવારીના કારણે સામાન્ય જનતાનું જીવન દુષ્કર બન્યું છે તો બીજી તરફ NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત સામે આવી રહેલા પેપર લીક કૌભાંડના કારણે લાખો યુવાનોના સપનાઓ અને ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. દેશની જનતા અને યુવાનોને આર્થિક તથા માનસિક રીતે બરબાદ કરતી આ બંને સમસ્યાઓ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યક્રમના ભાગરૂૂપે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ વોરા, અને રાજકોટના પ્રભારી જેનીબેન ઠુંમર સહિત કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળ નીતિઓ સામે અનોખી રીતે વિરોધ નોંધાવવા માટે “મોંઘવારીની જેલ” નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જેલમાં “સામાન્ય જનતા”ને કેદી તરીકે દર્શાવી એ સંદેશ આપવામાં આવ્યો હતો કે આજે દેશની પ્રજા મોંઘવારીના બોજ હેઠળ જેલવાસ ભોગવી રહી છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલ, દૂધ, દાળ, ડુંગળી, બટાકા, ટામેટા સહિતની રોજિંદી જીવનજરૂૂરી વસ્તુઓના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ સામાન્ય પરિવારોનું બજેટ ખોરવી નાખ્યું છે.

આ ઉપરાંત કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ખાદ્યતેલના ડબ્બાના વિશેષ વેશ (ડ્રેસ) ધારણ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.પ્રતિક દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે રસોડાની સૌથી આવશ્યક વસ્તુ ગણાતા ખાદ્યતેલના ભાવોમાં થયેલા બેફામ વધારાએ ગૃહિણીઓ અને સામાન્ય પરિવારોને ભારે આર્થિક સંકટમાં ધકેલી દીધા છે. આજે સામાન્ય માણસ પોતાની આવકનો મોટો હિસ્સો માત્ર જીવનજરૂૂરી વસ્તુઓ ખરીદવામાં જ ખર્ચી નાખવા મજબૂર બન્યો છે.

NEET પેપર લીક કૌભાંડના વિરોધમાં ” રથ” તૈયાર કરવામાં આવ્યો હતો. રથ પર પેપર લીક, ભ્રષ્ટાચાર અને વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાયને દર્શાવતા પ્રતિકો મૂકવામાં આવ્યા હતા. આ રથ દ્વારા કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને શિક્ષણ વ્યવસ્થામાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી.