ગુજરાત
કેદીઓની દિવાળી સુધરી: જિલ્લા જેલના 28 કેદીઓને 15 દિવસના પેરોલ મળ્યા
રાજય સરકાર દ્વારા જેલમાં સજા ભોગવતા કેદીઓને દિવાળીની ભેટ આપવામાં આવી છે. દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવી શકે તે માટે જેલમાં બંધ અને પાત્રતા ધરાવતા મહીલા કેદીઓ અને 60 વર્ષથી મોટી ઉંમરના કેમદીઓને 15 દિવસના પેરોલ મંજુર કરવા નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા જેલના 13 મહીલા કેદી સહીત 28 કેદીઓને 15 દિવસના પેરોલ મળતા જેલ બહાર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
દેશના તમામ નાગરીકોને સમાન નજરે જોવામાં આવે છે. જેલના કેદીઓને પણ માનવ અધિકાર કાયદા હેઠળ તહેવારો કે સામાજીક પ્રસંગોમાં રજા આપવામાં આવતી હોય છે. આવા કાયદા હેઠળ રાજય સરકાર દ્વારા કેદીઓની કલ્યાણ પ્રવૃતિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિતે મહીલા કેદીઓ તથા 60 વર્ષથી વધુ વય ધરાવતા કેદીઓને ધનતેરસ એટલે કે તા.29/10 થી તા.12/11 સુધી 15 દિવસના પેરોલ મંજુર કરવા જણાવાયું હતું. જેથી રાજકોટ જિલ્લા જેલ તંત્ર દ્વારા જેલમાં બંધ 13 મહીલાઓ અને 60 વર્ષથી મોટી ઉંમરના 15 કેદીઓ મળી કુલ 28 કેદીઓને 15 દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા. કેદીઓને પેરોલ અપાયા તેમાં કોટડાસાંગાણી, ગોંડલ, ભરૂચ, બોટાદ, મોરબી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, સાયલા, હળવદ, દ્વારકા, જુનાગઢ, કચ્છ, વઢવાણના કેદીઓનો સમાવેશ થાય છે.
ઉપરોકત કેદીઓને પેરોલ આપવામાં આવતા જેલ બહાર કેદીઓને તેડવા તેમના પરિવારજનો આવ્યા હતા. એક બાદ એક કેદી જેલની બહાર નીકળતા તેમના પરિવારને ભેટીને રડી પડતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.