ગુજરાત
ડિપાર્ટમેન્ટના અધ્યાપકોને હાંસિયામાં ધકેલી કોલેજોના આચાર્યોને બનાવાયા ભવનના વડા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવદોમાં સપડાઇ રહી છે. તાજેતરમાં ભવનના વડાઓ માટે કોલેજોના આચાર્યના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેની સામે કુલપતિ પાસે ફરીયાદ પણ કરવામાં આવી હતી છતા પણ આ ફરીયાદને નજર અંદાજ કરી અગાઉ જાહેર કરાયેલા 13 આચાર્યોને જ ભવનના અધ્યક્ષ તરીકે નિમણુંક આપવામાં આવી છે. ભવનના સિનિયર અધ્યાપકોને હાંસિયામાં ધકેલી દીધા હોવાની ચર્ચા કેમ્પસમાં થઇ રહી છે.
માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો . કમલ ડોડિયા અને ઇન્ચાર્જ કુલસચિવ ડો. રમેશ પરમારની અગાઉ દિવસભર બંધ બારણે બેઠક ચાલી હતી. જેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોને બાકાત રાખી સંભવિત ડીનની યાદી બનાવી હતી. જેમાં કોલેજ આચાર્ય એવાં કોંગી નેતા ડો. નિદત બારોટને એજયુકેશન ફેકલ્ટીના ડીન બનાવવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 12 ફેકલ્ટી ડીન જાહેર થયા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ, ભાવનગર, કચ્છ અને ગુજરાત યુનિવર્સિટીમાં નવા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સ્ટેચ્યુટ મૂજબ ડીન જાહેર કરવામા આવ્યા. જેમાં પહેલા યુનિવર્સીટીમાંથી પ્રોફેસર, જો તે ન હોય તો બાદમા એસોસિએટ પ્રોફેસર અને તે પણ ન હોય તો પછી એનએએસી (નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડીએશન કાઉન્સિલ) ગ્રેડેશન ધરાવતી કોલેજના આચાર્ય હોય. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઉપરોક્ત ત્રણેય યુનિવર્સિટીની વિરૂૂદ્ધમાં પ્રથમ પ્રાથમિકતા કોલેજના આચાર્યોને આપી દિધી અને તેનાથી કોંગી નેતાને લાભ થયો.
કુલસચિવ ડો. રમેશ પરમારના પરિપત્રથી 14 માંથી 13 ફેકલ્ટીના ડીનની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં એજ્યુકેશન ફેકલ્ટીમાં કોંગ્રેસના નિદત બારોટને મૂકવામાં આવ્યા છે. જ્યારે કાયદા વિદ્યાશાખામાં સંભવિત યાદીમાં અગાઉ ડો. જ્યોત્સનાબેન ભગતનું નામ હતું પરંતુ ફાઇનલ યાદીમાં તેના બદલાઈ ગયું અને અગાઉ કાયદા વિદ્યાશાખાના ડીન ડો.મયુરસિંહ જાડેજાનું નામ આવી ગયું છે. જ્યારે હોમિયોપેથી ફેકલ્ટીમાં ડીનનું નામ જાહેર કરવામાં ન આવતા આ ફેકલ્ટી હાલ ખાલી રહી છે. જેઓની ડીન તરીકે નિમણૂક કરવામાં આવેલું છે તેઓ 5 વર્ષ માટે ફરજ બજાવશે.