ગુજરાત
વડાપ્રધાન મોદીએ સૌરાષ્ટ્રને 4800 કરોડના વિકાસ કામોની આપી ભેંટ, દુધાળાના ભારત માતા સરોવર સહિતના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું
પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે સવારે તેમણે વડોદરામાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. વડોદરામાં વડાપ્રધાને ટાટા-એરબસ દ્વારા સ્થાપિત સૈન્યના કાર્ગો પ્લેનના એસેમ્બલ માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ત્યારબાદ બપોરે તેઓ અમરેલીના દુધાળા ખાતે પહોંચ્યા હતા. અમરેલીના દુધાળામાં નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.
ત્યારબાદ વડાપ્રધાને સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓને રૂ. 4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. જેનો લાભ અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓને મળશે. વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘સૌરાષ્ટ્ર અને અમરેલીની ધરતી એટલે રત્નોની ધરતી એવી આ ભૂમિ છે. અમરેલી એ ભૂમિ છે જેને યોગીજી મહારાજ, ભોજા ભગત, દુલા ભાયા કાગ, કલાપી, રમેશ પારેખ, કે.લાલ, જીવરાજ મહેતા આપ્યા છે. ગુજરાતના સાર્વજનિક જીવનમાં કોઈ સાંજ એવી ન હોય કે, ગુજરાતના કોઈને કોઈ ખૂણામાં દુલા ભાયા કાગને કોઈ યાદ ના કરતું હોય, એક એવો ડાયરો ના હોય, એવી કોઈ લોકસાહિત્યની વાત ન હોય જેમાં કાગ બાપુની ચર્ચા ના હોય’
વધુમાં જણાવ્યું હતું કે ‘એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી બાજુ વિકાસનો ઉત્સવ અને આજ ભારતની એક નવી તાસીર છે. આજે આખી દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળે છે, ધ્યાનથી સાંભળે છે. રાજકોટ,મોરબી,જામનગર આ એવો ત્રિકોણ છે, કે જે ભારતના મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની નામના થાય એવી તાકાત ધરાવે છે, આ મીની જાપાન થવાની તાકાત ધરાવે છે.એક સમય હતો નર્મદાની પરિક્રમા જઈએ ને તો પુણ્ય મળે, યુગ બદલાયો માતા નર્મદા ખુદ પરિક્રમા કરીને ગામડે ગામડે પહોંચીને પુણ્ય વહેંચી રહી છે, પાણી પણ વહેંચી રહી છે. આજે નર્મદાનું પાણી જ્યાં જ્યાં પહોંચ્યું છે ત્યાં ત્રણ-ત્રણ પાક લેવાઈ રહ્યા છે, જે ખેડૂતને એક પાક લેવાના સાસા પડતા હતા આજે તે ત્રણ-ત્રણ પાક લેતો થયો છે’
PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ નવી ઊંચાઈઓ સર કરી રહી છે. C-295 એર ક્રાફ્ટ ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ પ્લાન્ટથી બંને દેશો વચ્ચેનાં સંબંધો મજબૂત થવાની સાથે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નાં અભિયાનને વેગ મળશે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ. ની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL) C-295 એરક્રાફ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટનએ ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. જે ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ (સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે.’