દાઝયા ઉપર ડામ, સ્કૂલ ફીમાં 1500થી 5000નો વધારો

સૌરાષ્ટ્રના 6 જિલ્લાની આઠ હજાર શાળાઓનો ફી વધારો મંર્જીર કરતી એફઆરસી આગામી સોમવારથી ઉનાળુ વેકેશન પુરૂ થઇ રહ્યું છે અને નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઇ…

સૌરાષ્ટ્રના 6 જિલ્લાની આઠ હજાર શાળાઓનો ફી વધારો મંર્જીર કરતી એફઆરસી

આગામી સોમવારથી ઉનાળુ વેકેશન પુરૂ થઇ રહ્યું છે અને નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે વાલીઓના ગજવા ઉપર મોંઘવારીનો વધુ એક માર પડયો છે. અમેરિકા-ઇરાન યુધ્ધના કારણે ભડકેલી મોંઘવારીના કારણે સ્કુલ યુનિફોર્મ, બેગ, ચોપડા અને વાહન ભાડામાં 10થી 15 ટકા જેવો વધારો ઝીંકાયો છે. તો બીજી તરફ રાજકોટ સહીત સૌરાષ્ટ્રના છ જિલ્લાની 8000 જેટલી શાળાઓની ફીમાં રૂા.1500થી 5000 સુધીનો વધારો ઝીંકાયો છે.

એક તરફ મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

રાજકોટ ઝોન હેઠળ આવતી આશરે 8,000 ખાનગી શાળાઓમાં શિક્ષણ ફીમાં 5% થી 7% નો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને કારણે વાલીઓના ખિસ્સા પર સીધી અસર પડશે. ફીમાં થયેલો આ વધારો 1,500 થી 5,000 સુધીનો છે.આ નવો ફી વધારો આગામી 8 જૂનથી જ્યારે શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થશે અને શાળાઓ ફરી શરૂૂ થશે, ત્યારથી લાગુ કરવામાં આવશે.

સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આ ફી વધારો કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નિયમ મુજબ જ આ નિર્ણય લેવાયો છે.સંચાલકોના મતે, શાળાઓમાં કાર્યરત હજારો શિક્ષકો અને અન્ય કર્મચારીઓના પગારમાં દર વર્ષે વધારો કરવો પડે છે.શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓને અપડેટ રાખવા માટે મેન્ટેનન્સનો ખર્ચ સતત વધી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન અને કાગળ સહિતની વસ્તુઓના ભાવમાં થયેલો વધારો પણ ફી વધારા માટે જવાબદાર છે.

ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા તમામ હિસાબો તપાસ્યા બાદ જ 5% થી 10% સુધીના વધારાને મંજૂરી આપવામાં આવે છે, જે વ્યાજબી છે. યુનિફોર્મ અને પુસ્તકોમાં ખાસ મોટો ભાવ વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ અન્ય ખર્ચાઓને જોતા આ નિર્ણય અનિવાર્ય બન્યો છે.વાલીઓ માટે આ વધારો આર્થિક બોજ સમાન છે. ઘણી ખાનગી શાળાઓમાં પહેલેથી જ ફીનું ભારણ વધુ હોય છે ત્યારે આ વધારાને કારણે મધ્યમ વર્ગના વાલીઓમાં રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. જોકે, સંચાલક મંડળનું કહેવું છે કે વાલીઓ પોતાની આર્થિક પરિસ્થિતિ મુજબ શાળાની પસંદગી કરે છે.