Site icon Gujarat Mirror

જામનગરમાં કોમર્શિયલ બિલ્ડિંગોના પાર્કિંગમાંથી દબાણો દૂર કરાશે

જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની પ્રથમ બેઠક ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જે. જોષી ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં વાઈસ ચેરપર્સન ખ્યાતિબેન એમ. મુંગરા તેમજ મહાનગરપાલિકાના મેયર મોનિબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન્દ્રકુમાર મોનાણી, ટાઉન પ્લાનિંગ કમિટીના સભ્યો, ટાઉન પ્લાનિંગ ઓફિસર તથા ટી.પી.ડી.પી. શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ ગેરકાયદેસર બાંધકામો અંગે અત્યાર સુધીમાં કેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી છે, કેટલા બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ મનપાની કેટલી આવક પ્રાપ્ત થઈ છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા તથા મનપાની આવકમાં વધારો થાય તે માટે જરૂૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. શહેરમાં આવેલા ગેરકાયદેસર ગોડાઉન અંગે પણ તપાસ કરી તાત્કાલિક સેફ્ટી સ્ટ્રક્ચર અંગે કાર્યવાહી કરવા જણાવાયું હતું.

નવા બિનખેતી (એન.એ.) થયેલા રોડ, લાઈટ, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ ડેવલપર દ્વારા ઉપલબ્ધ કરાવવાની હોય છે. આવા સ્થળોની તપાસ કરી એન.ઓ.સી. આપવાની હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં આ સુવિધાઓ ડેવલપર દ્વારા આપવામાં ન આવી હોવા છતાં એન.ઓ.સી. આપવામાં આવી હોવાનું ધ્યાન પર આવતાં આ અંગે યોગ્ય સમજણ કરી જરૂૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

શહેરમાં જુદા જુદા કોમર્શિયલ, બિલ્ડિંગ તથા હોટલોમાં પાર્કિંગ મંજૂર દર્શાવેલ હોવા છતાં સ્થળ ઉપર પાર્કિંગનો ઉપયોગ ન થતો હોય અને અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોય તેવા કિસ્સામાં નિયમોનુસાર ખુલ્લું કરાવવા તેમજ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જરૂૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.

હાલ ચોમાસાની સિઝન શરૂૂ થવાની હોવાથી શહેરમાં આવેલા ભયજનક ઈમારતો અંગે સર્વે કરી તાત્કાલિક સેફ્ટી સ્ટ્રક્ચર અંગે કાર્યવાહી કરવા તેમજ શહેરમાં આવેલા કોમર્શિયલ કોમ્પલેક્સમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો આજુબાજુની શેરીઓમાં વાહનો પાર્ક કરી ટ્રાફિકની સમસ્યા સર્જતા હોય તેવા સ્થળોએ મંજૂર થયેલા કોમર્શિયલ કોમ્પલેક્સ મુજબ પાર્કિંગનો યોગ્ય ઉપયોગ થાય તે માટે જરૂૂરી અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત આવનારા સમયમાં નવી ટી.પી. સ્કીમોની મંજૂરીમાં વધુ પહોળા રોડ તથા સેન્ટર ડિવાઈડર સાઈઝના આયોજન અંગે પણ શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવા જણાવાયું હતું. કોર્પોરેશન અને જી.ડી.એ. હસ્તકના રસ્તાઓ તથા રાખવામાં આવેલા પાણીના ઈન્સ્ટ્રુમેન્ટ પાર્કમાં ગંદકી તથા કચરાના પ્રશ્ન અંગે પણ જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં શહેરના સુઆયોજિત વિકાસ, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, પાર્કિંગની સુવિધા તથા નાગરિકોને વધુ સારી શહેરી સુવિધાઓ મળી રહે તે માટે સંકલિત રીતે કામગીરી કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.

Exit mobile version